Gujarat

સુરતમાં VHPના કાર્યક્રમમાં Dy CMનું મોટું નિવેદન

સુરત શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) સુરત દ્વારા શ્રદ્ધેય અશોકજી સિંઘલના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણી નિમિત્તે એક ભવ્ય સામાજિક ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ ગૌ સન્માન આહવાનના સિગ્નેચર અભિયાનમાં હસ્તાક્ષર કરી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ જાહેર કરવા માટે જાહેરમાં પોતાનું ખુલ્લું સમર્થન જાહેર કર્યું હતું.

સાધુ-સંતો અને હિન્દુ સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ સામાજિક ગોષ્ઠી કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતના ખ્યાતનામ સાધુ-સંતો વિશેષ આશીર્વાદ આપવા પધાર્યા હતા.

આ ઉપરાંત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ વિવિધ હિન્દુ સંગઠનોના ટોચના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીએ રામ જન્મભૂમિ આંદોલનના પ્રણેતા સ્વ. અશોકજી સિંઘલના હિન્દુ સમાજ અને રાષ્ટ્ર નિર્માણના કાર્યોને યાદ કરી તેમની સરાહના કરી હતી.

કાર્યક્રમને સંબોધતા હર્ષ સંઘવીએ ગૌહત્યાને લઈને સરકારનું કડક વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ગૌહત્યા વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવીને અત્યંત કડક કાર્યવાહી કરી છે.

છેલ્લા એક જ વર્ષમાં રાજ્યમાંથી 15 જેટલા ગૌહત્યારાઓને ઝડપી લેવામાં આવ્યા છે. માત્ર ધરપકડ જ નહીં, પરંતુ પોલીસ અને કાયદાકીય તંત્રના મજબૂત સંકલનથી આ આરોપીઓને 7 વર્ષથી લઈને આજીવન કેદ સુધીની આકરી સજાઓ અપાવવામાં સરકારને મોટી સફળતા મળી છે.