Gujarat

આધેડને લગ્નની લાલચ આપી યુવતી દોઢ લાખ લઈ રફુચક્કર

જામનગરના આધેડે લગન કરવા માટે યુવતીને દોઢ લાખ રૂપિયા આપ્યા હતા. જે બાદ યુવતી આધેડ સાથે થોડા દિવસ રહી હતી, પરંતુ બંને વચ્ચે કોઈ સંબંધ બંધાયો નહોતો. આ દરમિયાન યુવતી મરણ પ્રસંગમાં જવાનું કહીને નાસી ગઈ હતી. લાંબા સમય સુધી પરત ન આવતા આધેડે સંપર્ક કર્યો, પરંતુ ફોન સ્વીચઓફ આવતો હતો. જેથી આધેડ સાથે લગ્નના નામે ઠગાઈ થઈ હોવાની જાણ થતા વાસણા પોલીસ સ્ટેશનમાં યુવતી સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવી છે.

લગ્નની લાલચ આપી રોકડ અને કપડાં પડાવ્યા જામનગરમાં રહેતા આધેડના 48 વર્ષની ઉંમર સુધી લગ્ન ન થયા હોવાથી તેમના ફોઈના દીકરાએ ભાવનગરમાં રહેતા પ્રવિણ ભટ્ટનો સંપર્ક કરાવ્યો હતો. પ્રવિણને લગ્ન માટે યુવતી શોધવાનું કહેતા તેણે આધેડેની મુલાકાત કાશી નામની મહિલા સાથે કરાવી હતી. કાશીએ પોતાની ભત્રીજી પીંકી પટેલ સાથે આધેડના લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો. બંને એકબીજાને પસંદ કરતા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું.

આ દરમિયાન પ્રવિણ અને કાશીએ આધેડને લગ્ન માટે 11 જોડી કપડાં અને દોઢ લાખ રૂપિયા આપવા પડશે તેમ જણાવ્યું હતું. આધેડે અમદાવાદમાં રહેતી પોતાની ભાણીને ફોન કરી રૂપિયા અંગે વાત કરી હતી. ભણીએ આધેડને અમદાવાદ બોલાવી દોઢ લાખ રૂપિયા આપ્યા હતા.

થોડા દિવસ રહી મરણ પ્રસંગના બહાને ફરાર ત્યારબાદ પીંકીએ માસિક આવતું હોવાનું કહી લગ્ન થોડા દિવસ બાદ કરવાની વાત કરી હતી. આધેડે તેને મંગળસૂત્ર પહેરાવી દીધું હતું અને પીંકી તેમના ઘરે રહેવા આવી હતી. જોકે તે આધેડ સાથે કોઈ સંબંધ રાખતી ન હતી અને ઘરના કામમાં પણ મદદ કરતી ન હતી.

થોડા દિવસ બાદ પીંકીએ તેના સંબંધીના મૃત્યુની વાત કરી ગામ જવાનું કહી ઘર છોડ્યું હતું. ત્યારબાદ તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો. લગ્નના નામે રૂપિયા પડાવાયા હોવાની શંકા જતા આધેડે અંતે ત્રણેય સામે વાસણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.