Gujarat

રાજકોટમાં 450 મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા:

ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. માસ સી.એલ.ના વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા, આજથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યના રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળના કારણે સરકારી કચેરીઓમાં આવક, જાતિના દાખલા, વિધવા સહાય જેવી જનહિતની કામગીરીઓ પૂરી રીતે ઠપ થઈ ગઈ છે.

રાજકોટ મહેસૂલી કર્મચારી મહામંડળના મહામંત્રી મનીષ ગિધવાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાંથી આશરે 11,000 થી 12,000 જેટલા મહેસૂલી કર્મચારીઓ આ હડતાળમાં જોડાયા છે. જેમાં રાજકોટ જિલ્લાની તમામ મામલતદાર કચેરી, પ્રાંત કચેરી તથા કલેક્ટર કચેરીના તમામ વર્ગ-3ના કર્મચારીઓ, ક્લાર્ક, નાયબ મામલતદાર અને મહેસૂલી તલાટીઓ સહિત 450 જેટલા કર્મચારી કામગીરીથી અલિપ્ત રહ્યા છે.

અગાઉ એક મહિના પહેલા મહામંડળ દ્વારા રાજ્ય સરકારને આ પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી અને સરકારને યોગ્ય નિર્ણય લેવા માટે સમય આપવામાં આવ્યો હતો. તે છતાં કોઈ ઉકેલ ન આવતા સોમવારે કર્મચારીઓએ માસ CL પાડીને વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં પ્રશ્નો અણઉકેલાયેલા રહેતા આખરે આજથી અચોક્કસ મુદતની હડતાળ શરૂ કરવાની ફરજ પડી છે.