રાજ્ય સરકાર દ્વારા ગુજરાત મહેસૂલી મંડળની પડતર માંગણીઓનો ઉકેલ નહીં લાવવામાં આવતા વડોદરા જિલ્લાના 380 મહેસૂલી કર્મચારીઓ બે દિવસથી અચોક્કસ મુદ્દતની હડતાળ ઉતરી ગયા છે. આજે બીજા દિવસે કર્મચારીઓએ સુંદરકાંડ અને રામધૂન કરી હતી.
વડોદરા મહેસુલી કર્મચારી મંડળના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે, આજે અમારી અચોક્કસ મુદતની હડતાલનો બીજો દિવસ છે. આ હડતાલ દરમિયાન આજે અમે સુંદરકાંડ અને રામધૂનનું આયોજન કર્યું છે. આ બહાને ભગવાનનું નામ પણ લેવાય અને હડતાલના કારણે વડોદરાવાસીઓને રેવન્યુના કામકાજમાં જે તકલીફ પડી રહી છે, તે માટે ક્ષમાયાચના પણ માગી શકાય.
સાથે જ ભગવાનને એવી પ્રાર્થના કરી રહ્યા છીએ કે અમારી માંગણીઓ વહેલી તકે સ્વીકારી લેવામાં આવે જેથી અમે ફરીથી કામ પર પરત ફરી શકીએ. અમારી એકપણ માંગણી એવી નથી જેનાથી સરકાર પર કોઈ નાણાકીય બોજ પડે. માત્ર વહીવટી દ્રષ્ટિએ કામગીરી પૂર્ણ કરવાની છે, જે સરકાર દ્વારા સરળતાથી થઈ શકે તેમ છે.
શું છે માંગણીઓ
મહેસૂલી કર્મચારીઓ દ્વારા પોતાની કુલ 14 મુખ્ય માંગણીઓને લઈને રજૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત વર્ષ 2015ના કારકુનોને 2026માં પ્રમોશન તો મળ્યું છે, પરંતુ તેઓને અલગ-અલગ જિલ્લાઓમાં મુકાયા હોવાથી તેઓને પરત મૂળ જિલ્લામાં લાવવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસૂલી તલાટીઓ માટે નક્કી કરાયેલા જોબચાર્ટ સિવાય અન્ય વિભાગોની કામગીરી સોંપાતી હોવાથી જોબચાર્ટનું સંતુલન જાળવીને તેને ફરીથી તૈયાર કરવાની માંગણી મૂકવામાં આવી છે.

