Gujarat

યુનિવર્સિટીમાં દીકરીના એડમિશનનું સપનું બતાવી ડોક્ટર પાસે 15.50 ખંખેરી લીધા

અમદાવાદમાં શહેરમાં દીકરીને એન્જિનિયરિંગમાં એડમિશન અપાવવાનું સપનું જોઈ રહેલા તબીબને વોટ્સએપ પર સંપર્ક કરનારા શખ્સોએ વિશ્વાસમાં લઈને 15.50 લાખ રૂપિયા ખંખેરી લીધા છે.

બીટ્સેટમાં ઓછા માર્ક્સ આવ્યા હોવાથી દીકરીનું એડમિશન થઈ શક્યું નહોતું.આ દરમિયાન નિહારીકા શર્મા અને પ્રતિક ગુપ્તાએ સંપર્ક કરીને બીટ્સ પિલાણીમાં વિદેશી વિદ્યાર્થીઓ માટેની ખાલી સીટમાં એડમિશન કરાવી આપવાની વાત કરી હતી. શરૂઆતમાં 16 લાખ રૂપિયા માંગ્યા બાદ 50 હજાર રૂપિયામાં સીટ બુક કરવાની વાત કરી હતી. 50 હજારની રસીદ મોકલી વિશ્વાસ જીત્યા બાદ દીકરીના દસ્તાવેજો પણ મેળવી લીધા હતા.

ત્યારબાદ હૈદરાબાદની હોટલમાં બે શખ્સોએ પોતાને બીટ્સ પિલાણીની એડમિશન કમિટીના અધિકૃત વ્યક્તિ તરીકે ઓળખાવી એડમિશન થઈ ગયું હોવાનું કહી 15 લાખ રૂપિયા લઈ લીધા હતા. રૂપિયા મળ્યા બાદ તમામના મોબાઇલ બંધ થઈ જતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે.

ડોક્ટરીને દીકરીએ બીટ્સેટ પરીક્ષા આપી હતી શાહીબાગમાં સ્ટેડિયમની બાજુમાં આવેલી ઈસ્કોન રિવર સાઇટ ફ્લેટમાં રહેતા ડો. ગોપાલ ભાટીયા સિવિલ હોસ્પિટલ પાસે અમદાવાદ સાયકિયાટ્રીક ક્લિનિક ધરાવે છે.

ગોપાલ ભાટીયા પત્ની મૌસમી અને દીકરી મિત્રા સાથે રહે છે. મિત્રાએ જૂન 2026માં ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવા માટે બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ યુનિવર્સિટીની બીટ્સેટ પરીક્ષા આપી હતી. પરંતુ ઓછા માર્ક્સ આવતા તેનું એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન થયું ન હતું. હાલ મિત્રા પંજાબના પટિયાલામાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે.