Gujarat

નવરાત્રી મહોત્સવને સામાજિક જાગૃતિનું માધ્યમ બનાવવા આહવાન

વડોદરામાં આગામી નવરાત્રી મહોત્સવને સામાજિક જાગૃતિનું મોટું માધ્યમ બનાવવા માટે એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. વડોદરા સર્કિટ હાઉસ ખાતે ભાજપ વડોદરા મહાનગર દ્વારા શહેરના તમામ પ્રમુખ ગરબા આયોજકો સાથે એક ખાસ બેઠક અને સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનમાં સેવા અને સમર્પણના સફળતાપૂર્વક 25 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે યોજાઈ રહેલા સેવા સંકલ્પ અભિયાનના ભાગરૂપે આયોજિત કરવામાં આવી હતી.

યુવા શક્તિનો ઉપયોગ દેશહિતના કાર્યો કરવા સંદેશ બેઠક દરમિયાન ભાજપના પદાધિકારીઓ અને ગરબા આયોજકો વચ્ચે નવરાત્રી મહોત્સવને સુચારૂ રીતે સંપન્ન કરવા તેમજ ઉત્સવના માધ્યમથી સામાજિક સુધારણાના સંદેશાઓ જન-જન સુધી પહોંચાડવા અંગે ગહન ચર્ચા-વિચારણા કરાઈ હતી. વડોદરાના ગરબા સમગ્ર વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે અને રાસ-ગરબાના આ મહાપર્વમાં દરરોજ લાખોની સંખ્યામાં ખેલૈયાઓ તેમજ યુવાનો ઉત્સાહભેર ભાગ લેતા હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને, ભાજપ નેતૃત્વ દ્વારા ગરબા આયોજકોને વિશેષ અપીલ કરવામાં આવી હતી કે તેઓ આ વિશાળ યુવા શક્તિનો ઉપયોગ દેશહિતના કાર્યો માટે કરે.

નશામુક્ત ભારત અને સ્વચ્છ ભારતનો સંદેશ ફેલાવવા અપીલ વિશેષરૂપે, યુવાધન માદક દ્રવ્યોના દૂષણથી દૂર રહે તે માટે ગરબાના મંચ પરથી નશા મુક્ત ભારતનો આહ્વાન આપવા વિનંતી કરાઈ હતી. વડોદરાને સંપૂર્ણપણે ડ્રગ્સ મુક્ત શહેર બનાવવા માટે તમામ ગરબા આયોજકો એકજૂથ થઈને પોલીસ તથા પ્રશાસનને સહયોગ આપે અને ગરબા ગ્રાઉન્ડ પર પણ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નવરાત્રી મહોત્સવ દરમિયાન દરેક ગરબા ગ્રાઉન્ડ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતા જાળવવા તેમજ નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે સભાનતા વધારવા માટે આયોજકોને જરૂરી સૂચનાઓ અને સૂચનો આપવામાં આવ્યા હતા.