Gujarat

કવાંટના મોટી સાંકળ-રામી ડેમ રોડ પરનો કોઝવે જોખમી બન્યો

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં આવેલી મોટી સાંકળથી રામી ડેમને જોડતા મુખ્ય રસ્તા પરનો કોઝવે દર વર્ષે ચોમાસા દરમિયાન તૂટી જતાં સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

મોટી સાંકળ, ઝાલાવાંટ અને ખંડીબારા સહિત આસપાસના ગામોના આશરે 4,000 થી વધુ લોકો આ માર્ગ પરથી રોજિંદી અવરજવર કરે છે. ચોમાસામાં કોઝવે ધોવાઈ જતાં લોકોનો સંપર્ક તૂટી જાય છે, જેથી ગ્રામજનો હવે કોઝવેના બદલે કાયમી પુલ બનાવવાની માંગ કરી રહ્યા છે.

ચોમાસામાં બે વાર કોઝવે ધોવાતાં લોકો હેરાન મોટી સાંકળથી 50 મીટર દૂર આવેલા કોતર પર બનાવવામાં આવેલો આ કોઝવે ચાલુ વર્ષે 31 જુલાઈ અને 1 ઓગસ્ટે પડેલા ભારે વરસાદ અને પૂરમાં ધોવાઈ ગયો હતો. રસ્તો બંધ થઈ જતાં ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. આ દરમિયાન ખંડીબારા ગામની એક મહિલાને પોતાના નવજાત બાળક સાથે જોખમી રીતે ચાલીને કોઝવે પસાર કરવો પડ્યો હતો.

કલેક્ટરે સ્થળ તપાસ કરી પુલનું આશ્વાસન આપ્યું સ્થાનિક રહીશોનો આરોપ છે કે દર વર્ષે કોઝવે ધોવાઈ ગયા બાદ માત્ર કામચલાઉ રિપેરિંગ કરી દેવાય છે. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. લોકોના જણાવ્યા મુજબ, કલેક્ટરે પોતે ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને ટૂંક સમયમાં નવો પુલ બનાવવાનું આશ્વાસન આપ્યું છે.