છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી-ડભોઇ રોડ પર સાલપુરા ગામ પાસે એક ચાલતી ટ્રકમાં અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયાનક હતી કે ટ્રાફિક રોકાઈ ગયો હતો. લગભગ એક કલાકના પ્રયાસ બાદ આગ પર કાબુ મેળવી શકાયો. બોડેલીથી ડભોઇ તરફ રેતી ભરીને જતી ટ્રક સાલપુરા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે તેના પાછળના ટાયરમાં અચાનક આગ લાગી. આગ લાગતા જ ટ્રક ચાલકે તેને રોડની બાજુમાં ઉભી રાખી દીધી હતી.

આગ જોઈને આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા. બોડેલી APMC ફાયર ફાઈટરને જાણ કરાઈ. ફાયર ફાઈટર આવે ત્યાં સુધીમાં આગે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી દેખાતા હતા. ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી એક કલાકમાં આગ બુઝાવી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

