કલોલ શહેરની આદર્શ હોસ્પિટલમાં દીકરીની સારવાર અર્થે આવેલી એક મહિલાની એકલતાનો લાભ લઈ હોસ્પિટલમાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડે આબરૂ લેવાના ઇરાદે શારીરિક છેડતી કરી હતી. આ અંગે કલોલ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દીકરીની સારવાર માટે મહિલા હોસ્પિટલ આવી હતી કલોલ શહેરની આદર્શ હોસ્પિટલમાં એક શર્મશાર ઘટના પ્રકાશમાં આવી છે. આર.પી.એફ.ના જવાનની પત્ની પોતાની બે વર્ષની દીકરીને શરદી-કફની તકલીફ હોવાથી કલોલ સ્થિત આદર્શ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગઈ હતી. તબીબે સ્થિતિ જોતા દીકરીને પ્રથમ માળના રૂમમાં દાખલ કરી સારવાર શરૂ કરી હતી.
એકલતાનો લાભ લઈ સિક્યુરિટી ગાર્ડે મહિલાની છેડતી કરી ગત 15 મી ઓક્ટોબરની રાત્રે આશરે સાડા અગિયાર વાગ્યાના અરસામાં બાળકી સતત રડતી હોવાથી મહિલા તેને હોસ્પિટલની લોબીમાં રમાડી રહી હતી. એ સમયે ત્યાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ બળદેવ પશા વાઘેલા ત્યાં આવ્યો હતો. બાદમાં તેણે બાળકીને લિફ્ટમાં બેસાડી ફેરવવાનું કહી મહિલા સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મહિલાએ સ્પષ્ટ ના પાડી દીધી હતી. ત્યારબાદ મહિલા બાળકીને તેડીને લોબીમાં ફરી રહી હતી. ત્યારે રાત્રીના સમયે એકલતાનો લાભ લઈ બળદેવ વાઘેલાએ અચાનક પાછળથી આવીને મહિલાની છેડતી કરી હતી.
સિક્યુરિટી ગાર્ડ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અચાનક બનેલી આ ઘટનાથી ગભરાઈ ગયેલી મહિલાએ સિક્યુરિટી ગાર્ડને ધક્કો મારીને પોતાનો બચાવ કર્યો હતો અને તુરંત રૂમમાં દોડી ગઈ હતી. બાદમાં મહિલાએ તેના પતિને આ મામલે ફોન કરી જાણ કરી હતી તેમજ 181 મહિલા હેલ્પલાઈન પર પણ સંપર્ક સાધ્યો હતો.
દીકરીની હોસ્પિટલમાં સારવાર ચાલુ હોવાથી તે સમયે તાત્કાલિક પોલીસ મથકે જઈ શકાયું નહોતું. ત્યારબાદ પતિ નોકરી પરથી પરત આવતા બંનેએ કલોલ શહેર પોલીસ સ્ટેશન પહોંચીને આપવીતી જણાવી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે આરોપી સિક્યુરિટી ગાર્ડ બળદેવ વાઘેલા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

