Gujarat

દિવાળીના તહેવારમાં ST અમદાવાદથી અંદાજે 1800 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવાશે

દિવાળીના તહેવારને લઈને વતન જવા અને ફરવા નીકળતા મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એસટી નિગમના અમદાવાદ વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદના ગીતામંદિર, નરોડા, કૃષ્ણનગર, બાપુનગર અને રાણીપ સહિતના બસ સ્ટેન્ડ પરથી નિયમિત બસોના સંચાલન સાથે વધારાની 1800 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.

તેમજ બસ આપને દ્વાર યોજના હેઠળ કોઈ ગ્રુપ કે સંગઠન દ્વારા આખી બસનું બુકિંગ કરવામાં આવે તો એસટી નિગમ દ્વારા પેસેન્જરોને તેમની સોસાયટીના નાકેથી પિકઅપ કરીને ગંતવ્ય સ્થળે પહોંચાડવાની સુવિધા પણ આપવામાં આવશે. જ્યારે 2 નવેમ્બરથી 8 નવેમ્બર સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે.

ગ્રુપ બુકીંગ કરાવાશે તો મુસાફરને તેમના સ્થળ સુધી પહોંચાડાશે અમદાવાદ વિભાગ દ્વારા 2 નવેમ્બરથી 8 નવેમ્બર દરમિયાન દિવાળી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને કાઠિયાવાડ, સાણંદ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, અને ભુજ તરફના રૂટ પર વધારાની બસો દોડાવવામાં આવશે. આ ઉપરાંત પંચમહાલ તરફ દાહોદ, ઝાલોદ, બારીયા, સંતરામપુર અને ગોધરા તરફના રૂટ પર પણ વધારાનું સંચાલન કરાશે. જે રૂટ પર પેસેન્જરોની સંખ્યા વધુ હશે ત્યાં જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવાનું આયોજન છે.

દિવાળી દરમિયાન ગ્રુપમાં વતન જવા ઇચ્છતા પેસેન્જરો માટે બસ આપને દ્વાર યોજના ઉપયોગી બનશે. આ યોજના હેઠળ કોઈ સોસાયટી, સંગઠન કે ગ્રુપ દ્વારા આખી બસનું બુકિંગ કરાવવામાં આવે તો એસટી નિગમ દ્વારા બસ સોસાયટીના નાકે મોકલી આપવામાં આવશે. ત્યાંથી પેસેન્જરોને બેસાડીને સીધા તેમના સ્થળે પહોંચાડવામાં આવશે. આ સુવિધાથી પેસેન્જરોને સામાન સાથે ગીતામંદિર કે અન્ય બસ સ્ટેન્ડ સુધી પહોંચવાની મુશ્કેલીમાંથી રાહત મળી શકશે.