ગુરુવર્ય પ.પૂ. સત્યસંકલ્પદાસજી સ્વામીશ્રીની પ્રેરણાથી SMVS બાળપ્રવૃત્તિ દ્વારા ‘નિરામય શુભકામના પ્રોજેક્ટ’ નું ભવ્ય આયોજન કરાયું હતું. ડિસેમ્બર-2026 માં સ્વામિનારાયણ ધામ ખાતે યોજાનાર ‘શ્રીહરિ સંકલ્પ મહોત્સવ’ ના ઉપક્રમે આયોજિત આ સેવાયજ્ઞમાં બાળકોએ હોસ્પિટલોની મુલાકાત લઈ દર્દીઓના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે ભાવપૂર્વક પ્રાર્થના કરી હતી.

રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરત સહિતના વિવિધ શહેરોની આશરે 115 હોસ્પિટલોમાં સારવાર હેઠળના દર્દીઓ પાસે SMVS નાં બાળકોએ રૂબરૂ પહોંચીને સંવાદ સાધ્યો હતો. બાળકોએ દર્દીઓના બેડ સુધી જઈને મહામંત્રની ધૂન કરીને તેમનામાં આશા અને હિંમતનો સંચાર કર્યો હતો તેમજ પ્રસાદરૂપે પૌષ્ટિક ફળોનું વિતરણ કર્યું હતું.
બીમારીના મુશ્કેલ સમયમાં બાળકો દ્વારા મળેલી આ હૂંફ અને આત્મીયતાથી દર્દીઓ, તેમના પરિવારજનો અને હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ ભાવવિભોર બન્યો હતો. માસૂમ બાળકોના આ માનવતાવાદી સેવાકાર્ય અને પ્રેમપૂર્ણ વર્તનને દર્દીઓએ ખુલ્લા મનથી બિરદાવીને લાગણીસભર પ્રતિભાવો આપ્યા હતા.

