Gujarat

સોમનાથ-જબલપુર ટ્રેનમાંથી નકલી ટિકિટ સાથે 2 મુસાફર અને સૂત્રધારની ધરપકડ

AI -ફોટોશોપથી રેલવેની નકલી ટિકિટ બનાવવાનું કૌભાંડ રાજકોટ રેલવે પોલીસે ઝડપી પાડ્યું છે. સોમનાથ-જબલપુર એક્સપ્રેસમાંથી બે મુસાફરોને નકલી ટિકિટ સાથે પકડી લેવામાં આવ્યા છે. આ સાથે જ મુખ્ય સૂત્રધાર એવા સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા શખ્સે AI અને ફોટોશોપની મદદથી નકલી ટિકિટ બનાવી આપ્યાનું ખુલતા પોલીસે સિક્યુરિટી ગાર્ડને અટકાયતમાં લઈ વધુ તપાસ હાથ ધરી હતી.

સોમનાથ-જબલપુર એક્સપ્રેસ 16 ઓક્ટોબરે રાજકોટ રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ વાંકાનેર રેલવે સ્ટેશન ખાતે ટિકિટ નિરીક્ષક રાજેનસિંહ રાજપૂતે બે પેસેન્જરની ટિકિટ તેમના મોબાઈલમાં ચેક કરતાં શંકા ઉપજી હતી. વધુ તપાસ કરતાં બંને ટિકિટ નકલી હોવાનું સ્પષ્ટ થતાં બંને મુસાફરોને સુરેન્દ્રનગર RPFના હવાલે કર્યા હતા.

જે બાદ રાજકોટ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ઝડપાયેલા મુસાફરનું નામ કનૈયા ચૌધરી (ઉ.વ.43) છે. બીજો મુસાફર સગીર છે. આ બંને હાલ ગોંડલના ગુંદાળા ગામે રહી કારખાનામાં કામ કરે છે.

કનૈયા મૂળ બિહારનો અને સગીર મૂળ યુપીનો વતની છે.બંનેને વતન જવું હોવાથી કારખાનામાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા મનમોહનસિંહને વાત કરી હતી. જેણે AI અને ફોટોશોપની મદદથી બંનેને નકલી ટિકિટ બનાવી આપી બદલામાં રૂ.2 હજાર વસૂલ કર્યા હતા. જેથી પોલીસે મનમોહનસિંહને પણ અટકાયતમાં લીધો છે. મનમોહનસિંહે આ રીતે બીજી નકલી ટિકિટ બનાવી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.