Gujarat

શાળામાં મુલાકાતીઓના પ્રવેશ પર સરકારનો કડક નિર્ણય

વિદ્યાર્થીઓની સુરક્ષા અને શાંતિપૂર્ણ શૈક્ષણિક વાતાવરણ જાળવવા ગુજરાત સરકારે શાળામાં મુલાકાતીઓના પ્રવેશ અંગે પરિપત્ર બહાર પાડ્યો છે. ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે આ નિર્ણયને આવકાર્યો છે.

પરિપત્ર મુજબ, આચાર્યની લેખિત મંજૂરી વિના કોઈ પણ મુલાકાતી શાળામાં પ્રવેશી શકશે નહીં. મુલાકાતી રજિસ્ટરમાં વિગતો નોંધાવવી ફરજિયાત છે. શાળા પરિસરમાં અનધિકૃત ફોટોગ્રાફી કે વીડિયોગ્રાફી પર પણ કડક પ્રતિબંધ મુકાયો છે.

નિયમોનું ઉલ્લંઘન કરી અનધિકૃત પ્રવેશ કરનાર સામે પોક્સો (POCSO) એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરવાની સત્તા શાળાના આચાર્યને આપવામાં આવી છે. આ નિર્ણયથી બાળકોની સુરક્ષા વધુ સુનિશ્ચિત થશે અને શિક્ષકો નિર્ભીક વાતાવરણમાં કામ કરી શકશે.

સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયાએ જણાવ્યું કે, આ પગલું ઐતિહાસિક છે. રાજસ્થાન અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો બાદ ગુજરાત સરકારે આ નિર્ણય લીધો છે, જેને સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય ઠેરવ્યો છે.