સંકલ્પ અને સખત પરિશ્રમ આગળ આર્થિક લાચારી પણ નમી જાય છે તેવું ઉત્તમ ઉદાહરણ જામજોધપુરના એક સામાન્ય સફાઈ કામદારની પુત્રીએ પૂરું પાડ્યું છે. જામનગર જિલ્લાના જામજોધપુર ખાતે રહેતા અને સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ વાઢેરની પુત્રી સાધનાબેન વાઢેરે બોર્ડની ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 87.71% ગુણ મેળવી સમગ્ર રાજ્યમાં દ્વિતીય (સેકન્ડ) ક્રમ પ્રાપ્ત કરીને સમગ્ર જિલ્લાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.
શિક્ષણ થકી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડનાર આ તેજસ્વી વિદ્યાર્થીનીની સિદ્ધિને બિરદાવવા માટે જામનગર કલેક્ટર કચેરી ખાતે એક ખાસ સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં જામનગર કલેક્ટર પી.બી. પંડ્યાના વરદહસ્તે સાધનાબેન વાઢેરને રૂ. 41,000ની પ્રોત્સાહક ઇનામી રકમનો ચેક અને પ્રશસ્તિપત્ર એનાયત કરીને વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.
કલેક્ટર પી.બી. પંડ્યાએ સાધનાબેનની આ વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિને મુક્તકંઠે બિરદાવી હતી અને તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ, વિષમ પરિસ્થિતિઓ વચ્ચે પણ દીકરીના અભ્યાસમાં સતત પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવા બદલ પિતા રાજેશભાઈ વાઢેરના પ્રેરણાદાયી યોગદાન અને સમર્પણને પણ કલેક્ટરે ખાસ બિરદાવીને અભિનંદન આપ્યા હતા.

