Gujarat

ઘુમામાં બિલ્ડરે બે વ્યક્તિ સાથે મળી મજૂરોને માર માર્યો

અમદાવાદ ગ્રામ્યના તેલાવમાં આવેલી કન્સ્ટ્રક્શન કંપનીના ઘુમા ખાતેના આરએમસી પ્લાન્ટમાં બિલ્ડર્સ સહિત ત્રણ શખસ ઘૂસી ગયા હતા. ત્રણેયે કામ કરતા મજૂરોને ગાળો આપીને મેનેજર સહિત તમામને માર માર્યો હતો. આ અંગે મેનેજરે ત્રણેય શખસ સામે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મહત્વનું છે કે બિલ્ડર્સ સામે અગાઉ ફાયરિંગ, મારામારી, ધમકી આપવા જેવા ગુના નોંધાયેલા છે.

કંપનીમાં મેનેજરને મજૂરો જાણ કરી મૂળ ઉત્તરપ્રદેશના અશોક પ્રજાપતિ ઘુમામાં રહે છે અને તેલાવમાં કન્સ્ટ્રક્શન કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરે છે. 23 ઓક્ટોબરે તે કંપનીની ઓફિસે હતા. ત્યારે ઘુમાના આરએમસી પ્લાન્ટના ઓપરેટરે ફોન કર્યો હતો અને જણાવ્યું કે કેટલાક અજાણ્યા શખ્સો પ્લાન્ટ પર આવીને મારામારી કરી હતી. જેથી અશોકભાઇ તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા ત્યારે ત્રણ લોકો હાજર હતા. જે પૈકી ઉપેન્દ્રસિંહ ચાવડા નામના શખસે અશોકભાઈને બોલાવીને શર્ટનો કોલર પકડીને માર માર્યો હતો.

ઉપેન્દ્રસિંહ ચાવડાએ માર માર્યો, ફરિયાદ નોંધાઈ આ સમયે અશોકભાઈને ઉપેન્દ્રસિંહ ચાવડા દારૂ પીધેલો હોવાની પણ શંકા કરી છે. બાદમાં ઉપેન્દ્રસિંહે અશોકભાઈને ધક્કો મારી પાડી દીધા હતા. જેથી અશોકભાઈ ભાગવા જતા આરોપીઓએ મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ પ્લાન્ટ પરના ત્રણેક લોકો સાથે પણ આ શખસોએ મારામારી કરી હોવાનું અશોકભાઈને જાણવા મળ્યું હતું.

તમામ આરોપીઓ ભાગી ગયા બાદ અશોકભાઇને ફોન કરનાર પ્લાન્ટ ઓપરેટર રાધેશ્યામ ત્યાં મળી આવ્યો નહોતો. જેથી ફોન કરતા બંધ આવતો હતો. જેથી આરોપીઓ તેનું અપહરણ કરી ગયાની શંકા રાખી આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. બોપલ પોલીસે સમગ્ર મામલે ઉપેન્દ્રસિંહ ચાવડા સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.