થોડા સમય પહેલાં જૂનાગઢના મધુરમ વિસ્તારમાંથી ગેરકાયદેસર વસવાટ કરતી હોવાની શંકાના આધારે એક બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ હતી. સી ડિવિઝન પોલીસને મળેલી બાતમીના આધારે ચંદનપાર્ક વિસ્તારમાંથી આ મહિલાને શોધી કાઢવામાં આવી હતી. જેને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખવામાં આવી હતી. જોકે, તે મહિલા ત્યાથી પણ નાસી ગઈ હતી. જેને પોલીસે અંકલેશ્વરથી ઝડપી પાડી છે.
પોલીસ તપાસ દરમિયાન મહિલાનું અગાઉ જણાવેલું નામ મિથિલા રાજુ રોય હોવાનું સામે આવ્યું હતું. આ ઉપરાંત પૂછપરછ દરમિયાન ખાલેદા ઉર્ફે મિથિલા ઉર્ફે સાહી જેવી અન્ય નામોની વિગતો પણ સામે આવી હતી. પોલીસ તપાસમાં તેના પિતાનું નામ અબ્દુલ મલેકખાન અને માતાનું નામ હઝરાબેન હોવાનું બહાર આવ્યું હતું.
સખી વન સ્ટોપ સેન્ટરથી ગત સોમવારે નાસી છૂટી હતી આ મહિલાએ અગાઉ મહારાષ્ટ્રના નાલાસોપારા અને સુરતનું સરનામું દર્શાવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, તે મુંબઈમાં ડાન્સબાર તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બ્યુટી પાર્લરમાં કામ કરતી હતી.
વધુ તપાસ અને કાઉન્સિલિંગ માટે આ મહિલાને જૂનાગઢના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી હતી, જ્યાંથી ગત સોમવારના રોજ તે નાસી છૂટી હતી. સખી વન સ્ટોપ સેન્ટરમાંથી ભાગી જનાર આ બાંગ્લાદેશી મહિલાને અંતે એ ડિવિઝન પોલીસે અંકલેશ્વરથી સફળતાપૂર્વક ઝડપી પાડી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

