ઓનલાઈન મોબાઈલ ગેમ ‘ફ્રી ફાયર’ના માધ્યમથી સગીરા સાથે સંપર્ક કેળવી તેનું અપહરણ કરાયું હતું. આરોપીને જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છેક આસામ રાજ્યમાંથી ઝડપી લીધો છે. પોલીસે અપહૃત સગીરાને સુરક્ષિત મુક્ત કરાવી તેના પરિવારજનોને સોંપી છે.
બસ સ્ટેન્ડ પરથી થઈ હતી ગુમ ગત તારીખ 08 ઓક્ટોબરે જામનગર સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી સગીરા ગુમ થઈ હોવાની ફરિયાદ પરિવારે નોંધાવી હતી. આ અંગે જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અપહરણનો ગુનો નોંધી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.
ટેકનિકલ એનાલિસિસથી આસામનું લોકેશન મળ્યું ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ ટીમો દ્વારા બસ સ્ટેન્ડ અને આસપાસના સીસીટીવી (CCTV) ફૂટેજની ચકાસણી કરવામાં આવી હતી. હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલિસિસ મારફતે વિશ્લેષણ કરતા બાળાનું લોકેશન આસામ રાજ્યના બોંગાઈગાંવ જિલ્લાના જોગીઘોપા ગામે ટ્રેસ થયું હતું. તપાસમાં સામે આવ્યું હતું કે, ઓનલાઈન ગેમિંગ એપ ‘ફ્રી ફાયર’ દ્વારા આરોપી બાળાના સંપર્કમાં આવ્યો હતો અને તેને લલચાવી-ફોસલાવી અપહરણ કરી ગયો હતો.

