Gujarat

ધરતીપુત્રોનો અનોખો આક્રોશ

જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને કચ્છ જિલ્લાને ગુજરાત સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. પરંતુ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી સહાયની રકમ ખેડૂતોની મુશ્કેલીઓની સરખામણીએ તદ્દન ઊંટના મોંમાં જીરા સમાન સાબિત થઈ રહી છે.

પરિણામે, જામનગર જિલ્લાના ધરતીપુત્રોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે અને તેઓ સરકારની આ નીતિ સામે અનોખો વિરોધ નોંધાવી રહ્યા છે. જામનગર જિલ્લાના જોડિયા પંથકના છેવાડાના વાવડી ગામે એકઠા થયેલા ખેડૂતોએ હાથમાં લોલીપોપ પકડીને સરકારની સહાયની સરખામણી ””પોકળ આશ્વાસન”” સાથે કરી હતી. આક્રોશે ભરાયેલા ખેડૂતોએ ‘કૃષિ મંત્રી હાય હાય’ અને ‘ખેડૂતોની મશ્કરી બંધ કરો’ના ચોંકાવનારા નારા પોકારીને સમગ્ર વાતાવરણ ગજવી મૂક્યું હતું.

રોષે ભરાયેલા ખેડૂતોએ સરકાર સામે સીધો અને વેધક સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને મોંઘવારી પ્રમાણે પૂરતા ભથ્થાં આપતી હોય, તો પછી રાત-દિવસ લોહી-પરસેવો પાડીને દેશનું પેટ ભરતા ખેડૂતોને સહાય આપતી વખતે જ હાથ કેમ સંકોચી લેવાય છે..? મોંઘવારીના આ સમયમાં ખેતીનો ખર્ચ બમણો થઈ ગયો છે, ત્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા પછી પણ આવી અપૂરતી સહાય આપવી એ ખેડૂતોની મશ્કરી સમાન છે.