Gujarat

દિવાળી પહેલા વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

​દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જૂનાગઢ પંથકમાં નશાનો કાળો કારોબાર ફેલાવવામાં ન આવે તે માટે પોલીસ સક્રિય બની છે. આ દિશામાં કામગીરી કરતી વખતે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચની ટીમે લાખો રૂપિયાના દારૂના જથ્થા સાથે બે આરોપીની ધરપકડ કરી છે. મેંદરડા તાલુકાના નતાળીયા ગામની સીમમાં આવેલા એક ખેતરમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો બહારથી મંગાવીને છુપાવવામાં આવ્યો છે અને આ જથ્થો અન્યત્ર સગેવગે કરવાની પેરવી ચાલી રહી છે. તેવી પોલીસને બાતમી મળી હતી.

આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂ તથા બીયરની અલગ-અલગ બ્રાન્ડની બોટલો અને ટીન મળી આવ્યા હતા.

પોલીસે આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે આરોપીઓને સ્થળ પરથી જ પકડી પાડ્યા હતા, જેમાં નાગેશ ભગવાન કરમટા અને કરણ પાંચા રાડાનો સમાવેશ થાય છે. આ પકડાયેલા શખ્સો પાસેથી પ્રાથમિક પૂછપરછ હાથ ધરીને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળનો ગુનો નોંધવામાં આવ્યો છે.

​અન્ય કેટલાક શખ્સો પણ સંડોવાયેલા આ ગુનાની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, આ કારોબારમાં અન્ય કેટલાક શખ્સો પણ સંડોવાયેલા છે, જેમાં દિલીપ રાવત માંજરીયા, યશ મેરૂ કટારા, જાબર દેશુર ચાંદ્રડ અને પ્રકાશ ઉર્ફે પકો ગોવિંદ ગરચરના નામ ખુલ્યા છે જેમને ઝડપી પાડવાની ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.