દિવાળીના તહેવારો દરમિયાન ફટાકડા અને આતશબાજીને પગલે આગ લાગવાના બનાવો સામે પહોંચી વળવા માટે સુરત મહાનગરપાલિકાનું ફાયર વિભાગ સંપૂર્ણ સજ્જ થઈ ગયું છે. તહેવારોમાં નાગરિકોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં ફાયર વિભાગ દ્વારા વિશેષ એક્શન પ્લાન અમલી બનાવાયો છે. કોઈપણ અણધારી આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા દિવાળીના મુખ્ય ત્રણ દિવસ દરમિયાન તમામ ફાયર અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ કરી દેવામાં આવી છે. શહેરભરમાં સમગ્ર સ્ટાફને 24 કલાક સ્ટેન્ડબાય રહેવા માટે કડક આદેશ જારી કરી દેવાયા છે.
9 ઝોનમાં કડક બંદોબસ્ત, 100 ફાયર વાહનો એલર્ટ શહેરના તમામ 9 ઝોનને આવરી લેતાં વ્યૂહાત્મક સ્થળો પર વિશેષ ફાયર ટીમો તૈનાત કરવામાં આવી છે. આ વ્યવસ્થા હેઠળ 1000થી વધુ પ્રશિક્ષિત ફાયર જવાનો અને 100 જેટલાં ફાયર વાહનોને સતત રાઉન્ડ ધ ક્લોક એલર્ટ રાખવામાં આવ્યા છે. સાંકડા અને ગીચ વિસ્તારોથી માંડીને હાઈરાઇઝ બિલ્ડિંગો સુધીની આગની ઘટનાઓને ત્વરિત કાબૂમાં લેવા માટે વોટર બાઉઝર, અદ્યતન ફાયર એન્જિન, હાઇડ્રોલિક લેડર તેમજ સંવેદનશીલ સ્થળોએ કામ લાગી શકે તેવા રોબોટ કેમેરા સહિતના તમામ આધુનિક સાધનોની ચકાસણી કરીને તૈયાર રખાયા છે.
27 સ્ટેશનો પર 12 કલાકની શિફ્ટ, MDT ડિવાઇસથી ત્વરિત રિસ્પોન્સ મળશે ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે કહ્યું હતું કે, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરત મનપા વિસ્તારના 27 ફાયર સ્ટેશનોને એલર્ટ મોડ પર રાખવામાં આવ્યા છે. તહેવાર દરમિયાન તમામ કર્મચારીઓની રજાઓ અને સાપ્તાહિક રજાઓ રદ કરી 12 કલાકની શિફ્ટમાં ડ્યુટી ગોઠવવામાં આવી છે.
આગની કોઈપણ ઘટનાને તાત્કાલિક પહોંચી વળવા માટે 100થી વધુ સાધનો અને વાહનોનું સર્વિસિંગ કરાવી સજ્જ રાખવામાં આવ્યા છે. તમામ વાહનો MDT ડિવાઇસથી સજ્જ છે, જેથી 112 નંબર પર કૉલ આવતાં જ નજીકના ફાયર સ્ટેશનથી ત્વરિત મદદ રવાના થઈ શકે. આ ઉપરાંત વિભાગ પાસે ટર્બાઇન, રોબોટ, બૂમ મોનિટર, રેસ્ક્યુ ટેન્ડર, ક્રેન, થર્મલ ઇમેજિંગ કેમેરા અને બ્રીધિંગ ઓપરેટસ જેવા આધુનિક સાધનો પણ ઉપલબ્ધ છે.

