અમરેલી સિટી પોલીસ મથકમાં નોંધાયેલા 1.86 લાખના સાયબર ફ્રોડના ગુનામાં સંડોવાયેલો અને છેલ્લા 1 વર્ષથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો રીઢો આરોપી આખરે સુરત ક્રાઈમ બ્રાંચના સકંજામાં આવ્યો છે. મૂળ ઉત્તર પ્રદેશના ગાજીપુર જિલ્લાના દેવકલી ગામનો વતની અને હાલ સુરતના ઉન પાટિયા વિસ્તારમાં રહેતો 31 વર્ષીય મોહસીન ઝિયાઉદ્દીન નવાજ ટેકનોલોજી અને બેંકિંગ સિસ્ટમનો દુરુપયોગ કરી સાયબર ઠગાઈ આચરતી ટોળકીનો સક્રિય સભ્ય છે.
સાયબર ક્રાઈમ દ્વારા મેળવેલી રકમ સગેવગે કરવા માટે તે નિર્દોષ લોકોના બેંક એકાઉન્ટ્સ ભાડે મેળવી તેમાં વ્યવહારો કરતો હતો. અમરેલીમાં ગુનો દાખલ થતાં જ તે કાયદાની પકડમાંથી બચવા વારંવાર રહેઠાણ બદલી ભૂગર્ભમાં ઉતરી ગયો હતો.
ભાડે લીધેલી બેંક કિટ્સ દ્વારા ગેરકાયદે ટ્રાન્ઝેક્શનનું મોડ્યુલ ઝડપાયેલા આરોપી મોહસીનની સઘન પૂછપરછમાં ગુનાહિત મોડસ ઓપરેન્ડીનો મોટો પર્દાફાશ થયો છે. આશરે 2 વર્ષ પહેલાં તેણે સુરતના સારોલી ખાતે જિતેન્દ્ર ઉપાધ્યાય સાથે ભાગીદારીમાં ‘ઉપાધ્યાય એન્ટરપ્રાઈઝ’ નામે ગ્રે કાપડનો વેપાર શરૂ કર્યો હતો. જોકે કાપડનો આ વેપાર માત્ર એક દેખાવ હતો.
વાસ્તવમાં જિતેન્દ્ર અને તેનો મિત્ર મનોજ દેવરાજ ત્રાપસીયા વિવિધ લોકો પાસેથી ભાડે બેંક કિટ્સ (પાસબુક, એટીએમ, ચેકબુક) મેળવતા હતા. આ બેંક ખાતાઓમાં સાયબર ફ્રોડની રકમ જમા કરાવી અન્ય બેનિફિશિયરી એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરવાનું કામ મોહસીન કરતો હતો. અગાઉ આ કેસમાં જિતેન્દ્ર અને મનોજની ધરપકડ થઈ ચૂકી હતી, જ્યારે મોહસીન ફરાર હતો.

