Gujarat

સુરતમાં એક જ દિવસમાં આગના ત્રણ બનાવોથી અફરાતફરી

સુરત શહેરમાં આગ લાગવાના બનાવોમાં સતત વધારા વચ્ચે આજે એક જ દિવસમાં આગની 3 અલગ-અલગ ઘટનાઓ સામે આવી હતી. પાંડેસરા સ્થિત એક કાપડ યુનિટમાં લાગેલી વિકરાળ આગના કારણે ભારે દોડધામ મચી ગઈ હતી, જેમાં ₹1 કરોડનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ સિવાય કાપોદ્રા અને વરાછા વિસ્તારમાં કચરામાં આગ ભભૂકી ઊઠતાં ફાયર ટીમોએ તાત્કાલિક કાબૂ મેળવ્યો હતો. સદનસીબે ત્રણેય બનાવોમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

પાંડેસરામાં શોર્ટસર્કિટથી કાપડ યુનિટમાં ભીષણ આગ પાંડેસરાના વડોદ ગામ ગણેશ નગર પાસેની ઓમ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટીના એક કાપડ યુનિટમાં કામદારો કામમાં વ્યસ્ત હતા ત્યારે ત્રીજા માળે શોર્ટસર્કિટથી આગ ફાટી નીકળી હતી.

જોતજોતામાં આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા ઉડવા લાગ્યા હતા અને ફેક્ટરીમાં કામ કરતા કામદારો જીવ બચાવવા નીચે દોડી આવ્યા હતા. આ ભીષણ આગમાં પ્રિન્ટિંગ મશીન, સાડીઓ, રો-મટિરિયલ્સ, એસી અને વાયરિંગ સહિત ₹1 કરોડ જેટલું આર્થિક નુકસાન થયું છે, પરંતુ તમામ કામદારોનો આબાદ બચાવ થયો હતો.