સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી પીવાલાયક પાણીની ગુણવત્તા બગડવાની વ્યાપક ફરિયાદો ઉઠી છે. શહેરના રાંદેર, અડાજણ, પાલ અને જહાંગીરપુરા જેવા વિસ્તારોમાં લાંબા સમયથી પીળા રંગનું અને દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું હોવાથી સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ દૂષિત પાણીના કારણે વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યાપી ગઈ છે.
ઉકાઈ ડેમમાંથી 11,960 ક્યુસેક પાણી તાપીમાં છોડાયું સુરત મહાનગરપાલિકા દ્વારા આ મામલે કરવામાં આવેલી તપાસમાં રો-વોટરની ગુણવત્તા નબળી હોવાનું સામે આવ્યું હતું. આ સમસ્યાના નિવારણ માટે મનપા દ્વારા સિંચાઈ વિભાગને ઉકાઈ ડેમમાંથી શુદ્ધ પાણીનો જથ્થો છોડવા માટે ખાસ વિનંતી કરવામાં આવી હતી.
મનપાની આ રજૂઆતને પગલે ઉકાઈ ડેમ સત્તાધીશો દ્વારા ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ડેમમાંથી સિંચાઈ માટે 6,498 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું, જે વધારીને હવે 11,960 ક્યુસેક કરી દેવામાં આવ્યું છે.
સુરત શહેરમાં પીવાના પાણીનો પુરવઠો પૂર્વવત થઈ જશે ઉકાઈ ડેમમાંથી વધુ પાણી છોડવાના કારણે આજે સવારે વેર કમ કોઝવેની જળસપાટી વધીને 5.67 મીટરે પહોંચી હતી. બીજી તરફ, ડેમમાંથી પાણી છોડાવાને કારણે ઉકાઈ ડેમની સપાટી ગઈકાલના 333.81 ફૂટથી ઘટીને આજે 333.72 ફૂટે પહોંચી છે. તાપી નદીમાં નવું અને શુદ્ધ પાણી આવવાથી આગામી સમયમાં સુરત શહેરમાં પીવાના પાણીનો પુરવઠો પૂર્વવત થઈ જશે તેવી પૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

