Gujarat

ઉપલેટા સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. ખ્યાતિ કેશવાલાનું મહેસાણા ખાતે યોજાયેલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની કોન્ફરન્સમાં રાજ્યકક્ષાની ટ્રોફીથી વિશેષ સન્માન કરાયું

વિજય રાડીયા ભાયાવદર

રાજ્યના ૧૮૦૦ તબીબોની ઉપસ્થિતિમાં આંખની શ્રેષ્ઠ સારવાર અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત

ઉપલેટા શહેર અને પંથક માટે તબીબી ક્ષેત્રે ગૌરવપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ઉપલેટાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાત તબીબ તરીકે ફરજ બજાવતા અને હાલ ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેનો ચાર્જ સંભાળતા ડૉ. ખ્યાતિ વી. કેશવાલાનું રાજ્યકક્ષાએ વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં આંખની સારવાર ક્ષેત્રે કરવામાં આવેલી શ્રેષ્ઠ અને સેવાકીય કામગીરી બદલ તેમને આ પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચ દ્વારા ગત ૩૧ ઓક્ટોબરના રોજ મહેસાણાના શંકુઝ રિસોર્ટ ખાતે રાજ્યકક્ષાની ૭૮મી વાર્ષિક મેડિકલ કોન્ફરન્સ ‘જીમાકોન-૨૦૨૬’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહાસંમેલનમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી આશરે ૧૮૦૦ જેટલા નામાંકિત તબીબો અને તબીબી અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ સંમેલન દરમિયાન યોજાયેલા સન્માન સમારોહમાં ઉપલેટાના ડૉ. ખ્યાતિ વી. કેશવાલાને વર્ષ ૨૦૨૫-૨૦૨૬ માટેની પ્રતિષ્ઠિત ‘ડૉ. કે. જે. ગણાત્રા રોટેટિંગ ટ્રોફી ફોર ઓપ્થેલ્મોલોજિસ્ટ (ઇન્ડિવિજ્યુઅલ)’ અર્પણ કરવામાં આવી હતી.

આ ગૌરવશાળી સમારોહમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત સ્ટેટ બ્રાન્ચના પ્રમુખ ડૉ. અનિલ ડી. પટેલ અને માનદ રાજ્ય મંત્રી ડૉ. તુષાર બી. પટેલના વરદ હસ્તે આ સન્માન પત્ર અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કોન્ફરન્સના ચીફ ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડૉ. રાજેશ પટેલ, ઈવેન્ટ સેક્રેટરી ડૉ. વિષ્ણુ પટેલ, સાયન્ટિફિક સેક્રેટરી ડૉ. અલ્પેશ પટેલ, મહેસાણા બ્રાન્ચના હોદ્દેદારો, રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના વરિષ્ઠ તબીબી પદાધિકારીઓ તથા સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાંથી આવેલા તબીબો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ડૉ. ખ્યાતિ કેશવાલા ઉપલેટાની સરકારી સિવિલ હોસ્પિટલમાં આંખના સર્જન તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની સાથે ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ તરીકેની મહત્વપૂર્ણ વહીવટી જવાબદારી પણ કુશળતાપૂર્વક નિભાવી રહ્યા છે. તેમની દેખરેખ હેઠળ ઉપલેટા સિવિલ હોસ્પિટલના આંખના વિભાગમાં દરરોજ મોટી સંખ્યામાં દર્દીઓની તપાસ, નિદાન અને મોતિયા સહિતના સફળ ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવે છે, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ઘરઆંગણે જ ઉત્તમ આરોગ્ય સેવાઓ મળી રહી છે.

રાજ્યના ૧૮૦૦ જેટલા તબીબો અને વરિષ્ઠ પદાધિકારીઓની હાજરીમાં ઉપલેટાના ઇન્ચાર્જ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટની આંખની સારવાર અંગેની કામગીરીને બિરદાવવામાં આવતા સમગ્ર ઉપલેટાનું ગૌરવ વધ્યું છે. આ સિદ્ધિ બદલ સિવિલ હોસ્પિટલના તબીબી સ્ટાફ, આરોગ્ય કર્મચારીઓ, સામાજિક અગ્રણીઓ અને નગરજનો મીડિયા પ્રતિનિધિઓ દ્વારા ગૌરવ સાથે ડૉ. ખ્યાતિ કેશવાલાને શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.