રાજ્યની સૌપ્રથમ સરકારી મરીન કોલેજ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેલણ ગામે સ્થાપિત થશે. રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કોડીનારમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. આ પ્રોજેક્ટ બે તબક્કામાં સાકાર થશે. પ્રથમ તબક્કામાં મરીન કોલેજનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં મરીન ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે, જે દરિયાઈ શિક્ષણ અને તાલીમને વધુ વેગ આપશે.
કોડીનારમાં શરૂ થનારી આ સર્વપ્રથમ સરકારી મરીન કોલેજ માટે ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ દ્વારા સંચાલિત ડિરેક્ટોરેટ જનરલ ઓફ મેરીટાઇમ એડમિનિસ્ટ્રેશનની મંજૂરી મેળવવી અનિવાર્ય છે. જાે આ મંજૂરી સમયસર મળી જશે, તો વર્ષ ૨૦૨૭-૨૮ થી કોડીનારમાં એક કામચલાઉ સ્થળે મરીન સંબંધિત સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાની યોજના છે. આ માટે ચાલુ વર્ષના બજેટમાં ટોકન જાેગવાઈ પણ મંજૂર કરવામાં આવી છે.
મહત્વનું છે કે, સરકારી મરીન કોલેજના નિર્માણથી દરિયાઈ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતા વિદ્યાર્થીઓને નવી શૈક્ષણિક તકો ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ અને રોજગારીની નવી સંભાવનાઓ પણ ઊભી થવાની અપેક્ષા છે, જે સ્થાનિક વિકાસમાં મહત્વનો ફાળો આપશે.

