દિવાળીના તહેવારોમાં ઘરની સાફસફાઈ અને જૂની વસ્તુઓના નિકાલને કારણે જામનગરમાં ભંગારના વ્યવસાયમાં તેજી જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં શહેરમાં રોજના 13થી 14 ટન ભંગારનો વેપાર થાય છે, જ્યારે દિવાળીના દિવસોમાં આ જથ્થો વધીને 40થી 50 ટન સુધી પહોંચે છે.
દિવાળી દરમિયાન ઘરોમાંથી જૂનાં છાપાં, ચોપડીઓ, પૂંઠાં, પ્લાસ્ટિક સહિતની અનેક વસ્તુઓ ભંગાર તરીકે બહાર નીકળે છે. જેના કારણે ભંગારના વેપારીઓ પાસે માલની આવકમાં નોંધપાત્ર વધારો થાય છે. આ સાથે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ભંગારના ભાવમાં પણ 15થી 20 ટકાનો વધારો નોંધાયો છે. પરિણામે દિવાળીની સફાઈમાંથી નીકળતા ભંગારથી વેપારીઓને સારી આવક થઈ રહી છે.
ભંગાર એસોસિએશનના પ્રમુખ સંદીપભાઈના જણાવ્યા મુજબ, બહારથી માલની આવક ઓછી થવાને કારણે સ્થાનિક બજારમાં ભાવ વધ્યા છે. બજારમાં માલની ઉપલબ્ધતા ઓછી રહેતાં સ્થાનિક સ્તરે ભંગારના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
અગાઉ જે ભંગારના માલના રૂ.200થી 300 મળતા હતા, તેના આ વર્ષે રૂ.500 સુધી મળી રહ્યા છે. તાંબા સહિત અનેક પ્રકારના ભંગારના ભાવમાં વધારો થતાં વેપારીઓને ફાયદો થઈ રહ્યો છે અને ગ્રાહકોને પણ ઘરમાં પડેલી જૂની અને બિનઉપયોગી વસ્તુઓના સારા ભાવ મળી રહ્યા છે. ખાસ કરીને દિવાળીના દિવસોમાં એકસાથે વધુ પ્રમાણમાં ભંગાર વેચવા આવતાં લોકો માટે આ ભાવવધારો વધારાની આવકનું માધ્યમ બન્યો છે.

