વડોદરા-મુંબઈ નેશનલ હાઈવે-48 પર PM-eBus Sewa અંતર્ગત કરજણ તાલુકાના કંડારી ગામ સુધી આધુનિક AC ઇલેક્ટ્રિક બસ સેવા શરૂ કરવામાં આવી છે. પર્યાવરણને અનુકૂળ અને આરામદાયક આ બસ સેવા શરૂ થતાં કંડારી સહિત હાઈવે આસપાસના વિસ્તારોમાંથી વડોદરા તરફ અવરજવર કરતા મુસાફરોને મોટી રાહત મળશે.
મળતી માહિતી મુજબ બસ સેવા સવારે 5.00 વાગ્યાથી રાત્રે 10.00 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે અને મુસાફરોની સુવિધા માટે દર 20 મિનિટે બસ દોડાવવામાં આવશે. જોકે, બપોરના 1.00 થી 3.00 વાગ્યા દરમિયાન સેવા બંધ રહેશે.
કંડારી ગામ સુધી બસ સેવા શરૂ થવાથી ખાસ કરીને આ હાઈવે પર આવેલા વિવિધ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તેમજ પોર-રમણગામડી GIDC વિસ્તારમાં આવેલી નાની-મોટી કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓને મોટી રાહત મળશે. રોજિંદા નોકરી-ધંધા માટે વડોદરા અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતા કર્મચારીઓ માટે જાહેર પરિવહનની વધુ સુવિધા ઉપલબ્ધ બનશે.

