માનસિક બીમારીમાંથી સાજા થયેલા તેમજ મનોદિવ્યાંગ દર્દીઓને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવી તેમને આત્મનિર્ભર બનાવવાના ઉમદા હેતુ સાથે રાજ્ય સરકાર દ્વારા અત્યંત પ્રશંસનીય અને સંવેદનશીલ પહેલ કરવામાં આવી છે. આ વિશેષ અભિયાન અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગરના સેક્ટર-21 સ્થિત મુખ્ય બજારમાં ખુદ એક સામાન્ય વેપારીની ભૂમિકા ભજવી હતી. તેમણે મનોદિવ્યાંગ દર્દીઓ દ્વારા પોતાની મહેનતથી તૈયાર કરવામાં આવેલા આકર્ષક માટીના દીવડાઓનું બજારમાં જાતે બેસીને વેચાણ કર્યું હતું.
સેક્ટર-21ના માર્કેટમાં ડેપ્યુટી CMને દીવડા વેચતા જોઈ સૌ આશ્ચર્યચકિત થયા ગાંધીનગરના ભરચક સેક્ટર-૨૧ માર્કેટમાં સામાન્ય નાગરિકની જેમ બેસીને નાયબ મુખ્યમંત્રીને દીવડા વેચતા જોઈને સ્થાનિક દુકાનદારો, રાહદારીઓ તેમજ ખરીદી કરવા આવેલા ગ્રાહકો આશ્ચર્ય સાથે અત્યંત ઉત્સાહિત થઈ ગયા હતા.
હર્ષ સંઘવીએ ગ્રાહકો સાથે અત્યંત આત્મીયતાપૂર્વક અને હસમુખા અંદાજમાં સંવાદ સાધીને મનોદિવ્યાંગોની કળાને બિરદાવવા અને તેમને આર્થિક ટેકો આપવા અપીલ કરી હતી. આ અનોખા પ્રયાસને પગલે ગણતરીના સમયમાં જ અંદાજે ₹1.90 લાખના મૂલ્યના 35,000 દીવડાઓનું રેકોર્ડબ્રેક વેચાણ થઈ ગયું હતું, જેનાથી મનોદિવ્યાંગ કારીગરો અને તેમના પરિવારજનોનો આત્મવિશ્વાસ અનેકગણો વધી ગયો હતો.
લાલબત્તીનો કાફલો છોડી GSRTCની નવી બસમાં મુસાફરી કરી પહોંચ્યા આ પ્રેરણાદાયી પહેલ દરમિયાન નાયબ મુખ્યમંત્રીની સાદગી પણ લોકોમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ગાંધીનગરના કાર્યક્રમ સ્થળે પહોંચવા માટે તેમણે કોઈ સત્તાવાર સરકારી સુરક્ષા કાફલાનો ઉપયોગ કરવાને બદલે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા નવી શરૂ કરાયેલી એસ.ટી. બસમાં સામાન્ય મુસાફરોની સાથે મુસાફરી કરી હતી. તેમના આ સામાન્ય અને લોકાભિમુખ અભિગમે ઉપસ્થિત સૌ નાગરિકોનાં દિલ જીતી લીધાં હતાં.

