Gujarat

દારૂના દરોડા પ્રકરણમાં પોલીસકર્મી જ શંકાના ઘેરામાં

રાજકોટ રેન્જના DIG નિર્લિપ્ત રાયે બુટલેગર સાથે સંપર્કના આરોપમાં જામનગરના હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ ચંદ્રસિંહ જાડેજાને સસ્પેન્ડ કર્યા છે. તેમનું મુખ્ય મથક રાજકોટ ગ્રામ્ય નક્કી કરાયું છે. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે 4 ઓક્ટોબર, 2026ના રોજ જામનગરના પંચકોશી-બી ડિવિઝનના નાઘેડી ગામના GIDC વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. ટીમે રૂ. 37.21 લાખની ઇંગ્લિશ દારૂની 10,409 બોટલો સહિત કુલ રૂ. 1,37,58,491નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

હેડ કોન્સ્ટેબલના ફોન પર બૂટલેગરના વિસ્તારમાંથી અનેક વખત કોલ આવ્યા આ મામલે પંચ-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લિસ્ટેડ બુટલેગર રામ ઉર્ફે રામકો જીવા મોઢવાડિયા અને અન્ય આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ તથા BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. તપાસમાં સામે આવ્યું કે ક્રિપાલસિંહ જાડેજાના ફોન પર મુખ્ય આરોપી રામ મોઢવાડિયાના ગામના વિસ્તારમાંથી ઘણી બધી વખત ફોન કોલ આવ્યા હતા.

તેમજ રામ મોઢવાડિયાની માતાના નામે નોંધાયેલા સિમકાર્ડ પરથી ક્રિપાલસિંહ જાડેજાને કોલ આવ્યો હતો. એ સમયે ક્રિપાલસિંહ જાડેજાનું લોકેશન જામનગર પોલીસ હેડક્વાર્ટરમાં હતું. કોલના થોડી જ મિનિટમાં તેમનું લોકેશન નાઘેડી ગામમાં નોંધાયું હતું.

દરોડાની રાત્રે ક્રિપાલસિંહ જાડેજાનું ટાવર લોકેશન નાઘેડીમાં હતું. આ દરમિયાન તેમના નંબર પરથી વોટ્સએપ અને કેટલાક ફેસબુક કોલ થયા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. ક્રિપાલસિંહ જાડેજા તત્કાલીન LCBમાં કર્મચારી હતા. બુટલેગરની ગેરકાયદે પ્રવૃત્તિ પર નજર રાખવાને બદલે તેની સાથે મેળાપીપણું રાખતા હોવાની પ્રાથમિક માહિતીના આધારે DIG નિર્લિપ્ત રાયે તેમને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ મામલે તપાસ ચાલુ છે.