Gujarat

વડસ્મા આશ્રમમાં દીવાલ કુદી ઘૂસેલા બે શખ્સોએ મહિલાના ગળામાંથી અઢી લાખના દાગીના ઝૂંટવ્યા, લાઘણજ પોલીસમાં ફરિયાદ

મહેસાણા તાલુકાનકવડસ્મા સ્થિત શ્રી સત્સંગી સાકેતધામ આશ્રમ કેમ્પસમાં ગત બેસતા વર્ષના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આશ્રમમાં રહેતા અને કોલેજના ઓનર તરીકે સેવા આપતા પ્રફુલાબેન દશરથભાઈ બારોટ જ્યારે સાંજના સુમારે ગોગા મહારાજના મંદિરે દીવાબત્તી કરવા ગયા હતા, ત્યારે બે અજાણ્યા ઇસમો કોલેજની પાછળની દીવાલ કુદીને અંદર ઘૂસી આવ્યા હતા.

આ શખ્સોએ પ્રફુલાબેનને એકાંતમાં જોઇને તેમના ગળામાં પહેરેલો આશરે દોઢ તોલા વજનનો સોનાનો દોરો (કિંમત અંદાજે 1,50,000) અને એક તોલા વજનનું સોનાનું મંગળસૂત્ર (કિંમત અંદાજે 1,00,000) બળજબરીપૂર્વક ખેંચીને ઝૂંટવી લીધા હતા. દાગીના આંચકી લીધા બાદ બંને શખ્સ કોલેજની પાછળની દીવાલ કુદીને ખેતર તરફ નાસી છૂટ્યા હતા.

બૂમાબૂમ કરતા માતા દોડી આવ્યા ઘટના સમયે પ્રફુલાબેને બૂમાબૂમ કરતા તેમના માતા સવિતાબેન દોડી આવ્યા હતા. ગભરાયેલી હાલતમાં પ્રફુલાબેને સમગ્ર ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ આશ્રમમાં નોકરી કરતા ચાવડા જયદીપસિંહ વનરાજસિંહને ફોન કરીને બોલાવવામાં આવ્યા હતા અને આસપાસના વિસ્તારમાં ભારે શોધખોળ કરવા છતાં બૂમાબૂમ કરનાર કે લૂંટ ચલાવનાર ઇસમોનો કોઈ પત્તો લાગ્યો ન હતો.

આરોપીઓનું વર્ણન આપતા જણાવવામાં આવ્યું છે કે બંનેની ઉંમર અંદાજે 25 થી 30 વર્ષની આસપાસ હતી, તેઓ પાતળા બાંધાના હતા, મોઢાના ભાગે ધોળા કલરનો રૂમાલ બાંધેલો હતો અને કાળા રંગના પેન્ટ-શર્ટ પહેરેલા હતા, જેમાં એક શખ્સે કાળા રંગની બાહ્યા વગરની બંડી પણ પહેરેલી હતી.

બેસતા વર્ષનો તહેવાર હોવાને કારણે તાત્કાલિક ફરિયાદ થઈ શકી ન હતી, પરંતુ બાદમાં લાઘણજ પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.