Gujarat

મધ્યાહન ભોજન સંચાલકોના 4 વર્ષથી પૈસા બાકી, સરકાર સામે રજૂઆત કરી

ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાના સંચાલકો છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ગેસ સિલિન્ડર રિફિલિંગ સહિત રસોડામાં ઉપયોગમાં લેવાતાં સાધનોનો ખર્ચ પોતાના ખિસ્સામાંથી કરી રહ્યા હોવાનો આક્ષેપ ઓલ ગુજરાત રાજ્ય મધ્યાહન ભોજન કર્મચારી મંડળ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે મંડળે શિક્ષણ વિભાગ સમક્ષ રજૂઆત કરીને સંચાલકોને જૂના બાકી નાણાં ચૂકવવા અને ચાલુ શૈક્ષણિક વર્ષ માટે અગાઉથી ગ્રાન્ટ આપવા માગ કરી છે.

મંડળ દ્વારા 13 નવેમ્બર, 2026ના રોજ શિક્ષણ કમિશનર અને પ્રાથમિક પોષણ યોજનાની કચેરીને પત્ર લખવામાં આવ્યો છે. તેમાં જણાવાયું છે કે, મધ્યાહન ભોજન યોજના હેઠળ શાળાઓમાં બાળકો માટે ગરમ અને પૌષ્ટિક ભોજન તૈયાર કરવા ગેસ સિલિન્ડર અને ગેસ સગડીનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ગેસ રિફિલિંગ, ગેસ પાઇપ, રેગ્યુલેટર, લાઇટર સહિતની વસ્તુઓનો ખર્ચ સંચાલકોને પોતાના ખિસ્સામાંથી કરવો પડી રહ્યો છે.

માત્ર 3,500ના માસિક વેતનમાંથી ખર્ચ કરવો મુશ્કેલ મંડળે રજૂઆતમાં જણાવ્યું છે કે, મધ્યાહન ભોજન કેન્દ્રના સંચાલકોને માત્ર રૂ. 3,500 જેટલું નજીવું માસિક વેતન મળે છે. આટલા ઓછા વેતનમાંથી છેલ્લા ત્રણથી ચાર વર્ષથી ગેસ રિફિલિંગ અને રસોડાની અન્ય જરૂરી સામગ્રીનો ખર્ચ કરવો સંચાલકો માટે આર્થિક રીતે અન્યાયકારક છે. સરકારની સ્પષ્ટ જોગવાઈ અને પરિપત્ર હોવા છતાં રાજ્યના મોટાભાગના તાલુકાઓ અને કેન્દ્રો પર જરૂરી ગ્રાન્ટની રકમ સમયસર મળતી નથી.