રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી 16 નવેમ્બરે રાજકોટ જિલ્લાના જસદણની મુલાકાતે આવશે. જસદણના પાટીદાર ભવન ખાતે સાંજે ‘સખી સ્નેહમિલન’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે.
આ સમારોહમાં 5,000 થી વધુ સખી બહેનો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કરવામાં આવશે, જેને લઈને સમગ્ર પંથકમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સમાજના પ્રમુખો અને આગેવાનો કાર્યક્રમમાં જોડાશે પાટીદાર ભવન ખાતે યોજાનારા આ સ્નેહમિલન કાર્યક્રમમાં ઉમિયાધામ, ખોડલધામ અને સીદસરધામના પ્રમુખો પણ ઉપસ્થિત રહેશે.
આ ઉપરાંત નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના અગ્રણીઓ અને પાટીદાર અનામત આંદોલન સમિતિના હોદ્દેદારો પણ આ સમારોહમાં જોડાશે. હાલ મુખ્યમંત્રીના આગમન અને સ્વાગત માટે જસદણમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને આયોજનને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

