પોરબંદર LCBની ટીમે રાણાવાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટના તમંચા સાથે વિશ્વરાજસિંહ જાડેજા નામના આરોપીને ઝડપી પાડ્યો છે. પકડાયેલો આરોપી જામનગર જિલ્લાના નાની લાખાણી ગામમાં શંકર મંદિર સામે રહે છે અને જામનગરના દારૂના ગુનામાં છેલ્લા 2 વર્ષથી ફરાર હતો. આ ઉપરાંત રાજકોટ શહેરના હથિયાર ધારાના કેસમાં પણ તેની ધરપકડ બાકી હતી.
ટોલનાકા નજીક સર્વિસ રોડ પરથી પોલીસે આરોપીને દબોચ્યો પોરબંદર LCBના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે. કાંબરીયાના માર્ગદર્શન હેઠળ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન પોરબંદરથી રાણાવાવ જતા રસ્તે ટોલનાકા પછીના પહેલા બ્રિજ નીચે સર્વિસ રોડ પર પોલીસે વોચ ગોઠવી હતી. ત્યાં શંકાસ્પદ હાલતમાં મળેલા વિશ્વરાજસિંહ જાડેજાની તપાસ કરતા તેની પાસેથી પરવાના વગરનો ચાલુ હાલતમાં દેશી બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો.
₹ 2,000 નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ પોલીસે આરોપી પાસેથી ₹ 2,000 ની કિંમતનો દેશી બનાવટનો તમંચો કબજે કરીને રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે. વધુ તપાસમાં સામે આવ્યું કે આરોપી વિરુદ્ધ જામનગર પંચકોષી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂનો ગુનો નોંધાયેલો છે, જેમાં તે 2 વર્ષથી વોન્ટેડ હતો. રાજકોટ શહેર DCB પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં પણ તે વોન્ટેડ હોવાથી બંને શહેરોના સંબંધિત પોલીસ સ્ટેશનોને જાણ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે.

