અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં વહેલી સવારે ગુરુદ્વારામાં દર્શન કરવા જઈ રહેલા 68 વર્ષીય વૃદ્ધાને નકલી પોલીસની ઓળખ આપી ત્રણ ગઠિયાએ ₹ 2.90 લાખની કિંમતના સોનાના દાગીના સેરવી લીધા હોવાની ઘટના સામે આવી છે. તહેવારના દિવસે વૃદ્ધાને પગે લાગી, પોલીસનું આઈકાર્ડ બતાવી સલામતીના બહાને દાગીના કાગળમાં મુકાવીને ત્રણેય શખસ બે બાઈક પર ફરાર થઈ ગયા હતા. આ અંગે ભોગ બનનાર વૃદ્ધાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસનું આઈકાર્ડ બતાવી દાગીના ઉતરાવ્યા કૃષ્ણનગરના નયનનગર વિસ્તારમાં આવેલા ચિંતન ફ્લેટમાં રહેતા 68 વર્ષીય રતનાબેન ચેલાણી ગત 8 નવેમ્બરે દિવાળીના તહેવાર નિમિત્તે સવારે શનિદેવ મંદિરની બાજુમાં આવેલા ગુરુદ્વારામાં દર્શન કરવા જઈ રહ્યા હતા.
આ દરમિયાન બે બાઈક પર આવેલા ત્રણ અજાણ્યા શખસો પૈકી એકે રતનાબેનને પગે લાગીને “તમને પેલા ભાઈ બોલાવે છે” તેમ કહી થોડે દૂર બોલાવ્યા હતા. ત્યાં ઊભેલા અન્ય શખસે પોતાની પાસે રહેલું પોલીસનું કાર્ડ બતાવી “અમે પોલીસવાળા છીએ, તમારી સલામતી માટે દાગીના ઉતારીને કાગળમાં મૂકી અમને આપી દો” તેમ કહી વિશ્વાસમાં લીધા હતા.
7 તોલાના દાગીના હાથમાં આવતા જ પલાયન નકલી પોલીસની વાતોમાં આવી જતાં રતનાબેને પોતાની પાસે રહેલા 7 તોલાના અંદાજે ₹ 2.90 લાખની કિંમતના સોનાના દાગીના ઉતારીને એક કાગળમાં મૂકી ગઠિયાઓને આપી દીધા હતા. દાગીના હાથમાં આવતાની સાથે જ ત્રણેય શખસ ગણતરીની મિનિટોમાં બે બાઈક પર બેસીને નાસી છૂટ્યા હતા. છેતરાયા હોવાનો અહેસાસ થતાં રતનાબેને અજાણ્યા શખ્સો વિરુદ્ધ કૃષ્ણનગર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

