Gujarat

સુરત-બિલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવાની ઘડીઓ ગણાઈ

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ અંતર્ગત નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. NHSRCLએ X પર જાહેર સુરક્ષા નોટિસ જારી કરીને જણાવ્યું છે કે, સુરત-બિલીમોરા એલિવેટેડ સેક્શન પરના ઓવરહેડ વાયરોને 20 નવેમ્બર, 2026ના રોજ અથવા તે પછી વીજળીકૃત કરવામાં આવશે. આ તારીખથી તમામ ઓવરહેડ વાયરોમાં હાઈ-વોલ્ટેજ વીજ પ્રવાહ વહેતો હોવાથી તેને જીવંત ગણવા અને અનધિકૃત વ્યક્તિઓને તેની નજીક ન જવા કે કામ ન કરવા કડક સૂચના અપાઈ છે.

25 kV, AC પાવર સપ્લાય અને રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનના સંચાલન માટે અત્યંત આધુનિક પાવર સપ્લાય સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ ટ્રેન હેવી કમ્પાઉન્ડ કેટેનરી દ્વારા પૂરા પાડવામાં આવતા 25 kV, 50 Hz સિંગલ-ફેઝ AC ટ્રેક્શન સિસ્ટમ પર કાર્ય કરશે. ઊર્જાની બચત માટે તેમાં રિજનરેટિવ બ્રેકિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે, જે બ્રેક લગાવતી વખતે ઊર્જાને પુનઃપ્રાપ્ત કરીને કાર્યક્ષમતા વધારે છે.

બેંગલુરુમાં નિર્માણાધીન સ્વદેશી ટ્રેનની ઝડપ અને ક્ષમતા કર્ણાટકના બેંગલુરુ સ્થિત BEML ખાતે ભારતની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેનનું નિર્માણ થઈ રહ્યું છે. 202 મીટર લાંબી અને 8 કોચ (4 મોટર કાર અને 4 ટ્રેલર કાર) ધરાવતી આ ટ્રેનની મહત્તમ ટેસ્ટ સ્પીડ 280 કિમી/કલાક અને ઓપરેશનલ સ્પીડ 249 કિમી/કલાક રહેશે. 557 મુસાફરોની ક્ષમતા ધરાવતી આ ટ્રેનમાં 7 સ્ટાન્ડર્ડ-ક્લાસ (3×2 સીટિંગ) અને 1 એક્ઝિક્યુટિવ-ક્લાસ (2×2 સીટિંગ) કોચ હશે, જેને ભવિષ્યમાં જોડીને 16 કોચની ટ્રેન પણ બનાવી શકાશે.