Gujarat

શાહપુરમાં ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીએ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો

ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી નિમિત્તે વિરમગામ તાલુકાના શાહપુર ગામે ‘જનજાતીય ગૌરવ દિવસ-2026’નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો. તેમાં વિવિધ સરકારી યોજનાઓના પાત્ર લાભાર્થીઓને સહાય અને પ્રમાણપત્રો આપવામાં આવ્યાં.રાજ્ય સરકારની 12થી 18 નવેમ્બર સુધીની રાજ્યવ્યાપી ઉજવણીના ભાગરૂપે યોજાયેલા કાર્યક્રમમાં આદિજાતિ સમાજના ઇતિહાસ, સંસ્કૃતિ અને દેશ માટેના યોગદાનને યાદ કરાયું. પઢાર સમાજના વિકાસ અને સરકારી યોજનાઓના લાભ છેવાડાના લોકો સુધી પહોંચાડવાની વાત પણ કરવામાં આવી.

કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, વિરમગામના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, કિરીટસિંહ ડાભી અને પ્રદેશ ભાજપના અગ્રણી જયરાજસિંહ પરમાર સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિરસા મુંડાની જન્મજયંતીને ‘જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાનો નિર્ણય કરીને આદિજાતિ સમાજના ઇતિહાસ, યોગદાન અને બલિદાનને રાષ્ટ્રીય સ્તરે સન્માન આપ્યું છે.

તેમણે કહ્યું કે શાહપુર પઢાર સમુદાયનું વિશેષ ગામ છે. આદિજાતિ સમાજને વિકાસની મુખ્યધારામાં જોડવા રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે. પઢાર સમાજના વિકાસ માટે બજેટમાં ખાસ યોજનાકીય જોગવાઈ કરાઈ છે. શિક્ષણ અને રોજગાર સહિતનાં ક્ષેત્રોમાં વધુ લાભ મળે તે માટે પ્રયાસ ચાલુ રહેશે.જયરાજસિંહ પરમારે કહ્યું કે ભારતની વિવિધતામાં એકતા દેશની શક્તિ છે. આદિજાતિ સમાજનો પ્રકૃતિ અને પરંપરાઓ સાથેનો નાતો ભારતીય સંસ્કૃતિની ધરોહર છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને રોજગારીની તકો વધારવાના પ્રયાસ થઈ રહ્યા છે.