Gujarat

મકરપુરા રેલવે સ્ટેશને માલગાડીના કન્ટેનર પર ચઢેલા યુવકનું હાઈટેન્શન વીજ કરંટથી મોત

વડોદરા શહેરના મકરપુરા રેલવે સ્ટેશન પર એક અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં માલગાડીના કન્ટેનર પર ચઢી ગયેલ યુવકને હાઈટેન્શન વીજલાઇનનો કરંટ લાગતા તેનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લાંબા સમય સુધી કન્ટેનર પર જ યુવક ફસાયેલો રહ્યો આ ઘટના મકરપુરા રેલવે સ્ટેશન પર ગત રાત્રે બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, યુવક અચાનક માલગાડીના કન્ટેનર ઉપર ચઢી ગયો હતો. આ દરમિયાન તે ઉપરથી પસાર થતી હાઈટેન્શન વીજલાઇનના સંપર્કમાં આવી જતા તેને ગંભીર વીજ કરંટ લાગ્યો હતો અને તે લાંબા સમય સુધી કન્ટેનર પર જ ગંભીર હાલતમાં ફસાયેલો રહ્યો હતો.

બેભાન હાલતમાં યુવકને સારવારમાં ખસેડાયો ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. બચાવ કામગીરી માટે સૌપ્રથમ રેલવે લાઇનનો હાઈટેન્શન વીજ પુરવઠો બંધ કરાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ ફાયર જવાનો દ્વારા ભારે જહેમત બાદ બેભાન અવસ્થામાં રહેલા યુવકને કન્ટેનર પરથી નીચે ઉતારીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ યુવકને મૃત જાહેર કર્યો હતો.