Gujarat

સયાજીપુરાની સીમમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી

વડોદરાના વાઘોડિયા તાલુકામાં સિકંદરપુરા ગામ સામે હનુમાનપુરા જવાના રસ્તે સયાજીપુરાની સીમમાં આવેલા ભંગારના ગોડાઉનમાં આગ લાગી છે. આગ લાગવાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. અઢી કલાકથી આગ કાબૂમાં આવી નથી.

ગોડાઉનમાં પ્લાસ્ટિક અને કેમિકલનાં ડ્રમ મોટી સંખ્યામાં હોવાથી આગ ઝડપથી ફેલાઈ હતી. ધુમાડાના ગોટેગોટા આસપાસના વિસ્તારમાં ફેલાયા હતા. નજીકની સોસાયટીના લોકોમાં ચિંતા ફેલાઈ હતી.

ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ સ્થળે પહોંચી હતી. ફાયરકર્મીઓ પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ઘટનાસ્થળે મોટી સંખ્યામાં ગ્રામજનો એકઠા થયા હતા. સાવચેતીના ભાગરૂપે આસપાસની સોસાયટીઓનો વીજ પુરવઠો બંધ કરાયો હતો. વીજળી બંધ થતાં અંધારું થતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

આગમાં અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. સયાજીપુરા ગ્રામ પંચાયતે આ ગોડાઉનને અગાઉ અનેક નોટિસ આપી હતી, છતાં કાર્યવાહી થઈ ન હોવાની વિગતો સામે આવી છે. આ મુદ્દે ગ્રામજનોમાં પંચાયત અને ગોડાઉનના માલિક સામે રોષ છે.