બોલિવૂડ અભિનેત્રી જૂહી ચાવલાએ આજે ગાંધીનગર સચિવાલયમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત કરી હતી અને તેમની સાથેની મુલાકાતને લઈને તેમના વખાણ કર્યા છે. જૂહી ચાવલાએ જણાવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રીને એક-બે વખત મળ્યાં હતાં.
આ મુલાકાત પોરબંદર સ્થિત તેમના પરિવાર સાથે જોડાયેલા આર્ય કન્યા ગુરુકુળના કાર્યક્રમના સંદર્ભમાં થઈ હતી. આ વર્ષે ગુરુકુળનાં 90 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ નિમિત્તે તેમણે મુખ્યમંત્રીને ગુરુકુળના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપ્યું હતું.
‘તેઓ ખૂબ જ સારા માણસ છે’: જૂહી ચાવલા જૂહી ચાવલાએ મુખ્યમંત્રીના સ્વભાવની પ્રશંસા કરતાં કહ્યું હતું કે, ‘તેઓ ખૂબ જ સારા માણસ છે. ખૂબ જ સાદગીથી અને પ્રેમથી મળે છે. અમારી કોઈ સમસ્યા હોય તો તરત જ તેનું સમાધાન કરી આપે છે. હું બે વખત તેમને મળવા આવી હતી. ગુરુકુળના વિષયમાં તેમની સાથે વાત કરી હતી. અમને જે મદદની જરૂર હતી તેના માટે તેમણે તરત જ હા પાડી હતી અને કહ્યું હતું કે જરૂર થઈ જશે, હું આવીશ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ સહકાર આપવાની ખાતરી આપતાં તેઓ ખૂબ જ ખુશ છે. અંતમાં તેમણે આ કાર્ય માટે સૌના આશીર્વાદની અપેક્ષા વ્યક્ત કરી હતી.
1936માં થઈ હતી ગુરુકુળની સ્થાપના પોરબંદરમાં આવેલા આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના વર્ષ 1936માં નાનજી કાલિદાસ મહેતા દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થા કન્યા શિક્ષણ અને ભારતીય સંસ્કારોના જતન માટે જાણીતી છે. જૂહી ચાવલા મહેતા પણ મહેતા પરિવાર સાથેના સંબંધને કારણે ગુરુકુળની કામગીરી અને સંચાલન સાથે જોડાયેલાં છે. આ વર્ષે સંસ્થાના 90 વર્ષ પૂર્ણ થતાં વિશેષ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે.

