દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે સતત નંબર-1 રહેલા સુરત શહેરના સ્વચ્છતા રેન્કિંગમાં થયેલા ઘટાડા પાછળનું ચોંકાવનારું સત્ય હવે બહાર આવ્યું છે. સુરત મનપાના રૂ. 11,000 કરોડના તોતિંગ બજેટ અને કરદાતાઓ પાસેથી વસૂલાતા કરોડો રૂપિયાના સોલિડ વેસ્ટ ચાર્જ છતાં, શહેરમાં કચરો ઉપાડવાની પાયાની સુવિધા જ ખાડે ગઈ છે.
સ્વચ્છતા લીગના પરિણામોમાં સુરત પ્રથમ ક્રમેથી સરકીને બીજા ક્રમે પહોંચી ગયું છે, જેની પાછળ ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓની મોટી અછત જવાબદાર હોવાનું સામે આવ્યું છે. તાજેતરમાં યોજાયેલી મનપાની સંકલન બેઠકમાં ખુદ વહીવટી તંત્રએ સ્વીકાર્યું છે કે શહેરમાં કુલ 1,230 ગાડીઓની જરૂરિયાત સામે હાલમાં માત્ર 773 ગાડીઓ જ ઉપલબ્ધ છે, એટલે કે પૂરી 457 ગાડીઓની ભારે અછત પ્રવર્તી રહી છે.
રાંદેરમાં 3-4 દિવસે કચરો ઉપડતા ધારાસભ્ય પૂર્ણેશ મોદીની ઉગ્ર રજૂઆત પૂરતા વાહનોના અભાવે શહેરીજનોને ગંદકી વચ્ચે રહેવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને રાંદેર ઝોનમાં ડોર-ટુ-ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓ 3થી 4 દિવસના અંતરાલે આવતી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ મામલે સ્થાનિક ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ પણ મનપા તંત્ર સમક્ષ ઉગ્ર નારાજગી વ્યક્ત કરી પત્ર લખી જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહીની માગ કરી હતી. આંકડાકીય વિગતો મુજબ, રાંદેર ઝોનમાં 147 ગાડીઓની જરૂરિયાત સામે માત્ર 78 ગાડીઓ જ કાર્યરત છે, જેથી 75 ગાડીની સીધી ઘટ વર્તાઈ રહી છે.

