Gujarat

ગંદકી કરનારાઓ સામે પાલિકાની તવાઈ

વડોદરા શહેરમાં સ્વચ્છતા વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા અને જાહેર સ્થળોએ સ્વચ્છતાના નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમો દ્વારા નિયમિત સફાઈ કામગીરીની સાથે વિશેષ ચેકિંગ, નાઈટ ડ્રાઈવ અને સર્વેલન્સ હાથ ધરીને ઓક્ટોબરથી નવેમ્બરના મધ્ય સુધીના દોઢ મહિનાના સમયગાળામાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ પાસેથી કુલ રૂ.46.84 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે, જ્યારે 162 જેટલા વાણિજ્યિક એકમોને સીલ મારી દેવામાં આવ્યા છે.

નિયમોનો ભંગ કરનારા એકમો સામે દંડનીય કાર્યવાહી મહાનગરપાલિકાની કાર્યવાહી અનુસાર ઓક્ટોમ્બર મહિનમાં શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત સ્વચ્છતાના નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ અને વાણિજ્યિક એકમો પાસેથી રૂ.37.89 લાખનો દંડ વસૂલીને 152 એકમો સીલ કરાયા હતા.

ત્યારબાદ તા. 01/11 થી તા. 16/11 દરમિયાન પણ કાર્યવાહી યથાવત્ રાખીને વધુ રૂ. 8.95 લાખનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને 10 વાણિજ્યિક એકમોને સીલ કરવામાં આવ્યા હતા. વોર્ડ કક્ષાએ હાથ ધરાયેલી આ દંડનીય કાર્યવાહીમાં વોર્ડ નં. 01 દ્વારા સૌથી વધુ દંડની વસૂલાત કરવામાં આવી છે.

આ સમગ્ર ઝુંબેશ દરમિયાન જાહેર સ્થળોએ ગંદકી ફેલાવનારા, અનધિકૃત રીતે બાંધકામ અને ડિમોલિશન (C&D) વેસ્ટ ઠાલવનારા, વિશ્વામિત્રી નદીમાં ડેબ્રિસનો નિકાલ કરનારા તેમજ પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરનારા તત્ત્વો સામે પ્રવર્તમાન નિયમો અને જોગવાઈઓ મુજબ કડક દંડનીય પગલાં લેવાયા હતા.