ડભોઈના હીરા ભાગોળ ખાતે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI), વડોદરા મંડળે વિશ્વ ધરોહર સપ્તાહની શરૂઆત કરી. હીરા દ્વારના પ્રાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રાચીન દર્ભાવતી નગરીના ઇતિહાસ, સંસ્કૃતિ અને સ્થાપત્ય વિશે માહિતી આપવામાં આવી.વિશ્વ ધરોહર સપ્તાહ દર વર્ષે ઉજવાય છે. તેનો હેતુ ઐતિહાસિક સ્મારકો, પુરાતત્વીય સ્થળો, પ્રાચીન સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાવવાનો છે.

કાર્યક્રમમાં ડભોઈના મામલતદાર પ્રવીણ જોશી, નાયબ મામલતદાર હિતેશ રાણા, નગરપાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહ અને ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર રાજવીરસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રાચીન દર્ભાવતી નગરીના ઇતિહાસ, કલા અને સ્થાપત્ય વિશે માહિતી આપતી માર્ગદર્શિકા પુસ્તિકાનું વિમોચન કરાયું. તેમાં ડભોઈના ઐતિહાસિક મહત્વ, પ્રાચીન ઓળખ અને સ્થાપત્યની વિશેષતાઓ વિશે માહિતી છે.

ડભોઈના ભૂતકાળ અને વર્તમાનને દર્શાવતાં જૂનાં તથા નવાં તસવીરોનું પ્રદર્શન પણ શરૂ કરાયું. તેમાં નગરના ઐતિહાસિક પરિવર્તન, પ્રાચીન સ્થાપત્યો અને સાંસ્કૃતિક વારસાને રજૂ કરવામાં આવ્યો.

ઉપસ્થિત મહાનુભાવો અને ASIના અધિકારીઓએ યુવાનોને શહેરના ઇતિહાસ વિશે જાણવા, સ્મારકોનું મહત્વ સમજવા અને વારસાનું જતન કરવા કહ્યું.કાર્યક્રમનું આયોજન ASI, વડોદરા મંડળના અધિક્ષક પુરાતત્વવિદ્ ડૉ. શુભ મજુમદારના માર્ગદર્શન હેઠળ થયું. સહાયક અધિક્ષક પુરાતત્વવિદ્ દિનેશ મીના, સહાયક પુરાતત્વવિદ્ ડૉ. ફાલ્ગુની કાટકર, લાલાભાઈ અને અન્ય કર્મચારીઓએ કામગીરી કરી.

