Gujarat

ધ્રોલમાં પાટીદાર મંડળે સ્નેહમિલન અને નાટક યોજ્યું

જામનગર જિલ્લાના ધ્રોલમાં પાટીદાર પ્રગતિ મંડળે સમાજનું સ્નેહમિલન યોજ્યું હતું. આ પ્રસંગે ‘રા નવઘણ’ નાટક ભજવાયું હતું. કાર્યક્રમ ધ્રોલના વાકિયા ગામ પાસે આવેલી આંબા ભગતની જગ્યાએ રાત્રે યોજાયો હતો.

નાટકમાંથી એકત્ર થયેલો લોકફાળો દર્દીઓની સેવા માટે આરોગ્યનાં સાધનો ખરીદવામાં વપરાશે, એમ આયોજકોએ જણાવ્યું હતું.આયોજકોના જણાવ્યા મુજબ, લોકસંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાને જીવંત રાખવા તેમજ નવી પેઢીને તેની ઓળખ કરાવવા નાટકનું આયોજન કરાયું હતું.

નાટકની તૈયારી અને ભજવણી ધ્રોલ તાલુકાની આસપાસનાં ગામોના પાટીદાર યુવાનોએ કરી હતી. ધ્રોલ શહેર અને આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો નાટક જોવા આવ્યા હતા.

કાર્યક્રમના અંતે પાટીદાર પ્રગતિ મંડળના હોદ્દેદારો, કલાકાર યુવાનો અને ફાળો આપનારા દાતાઓનો આભાર માનવામાં આવ્યો હતો.