Gujarat

સોમનાથના મેળામાં પ્રથમ વખત ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ યોજાશે

સોમનાથમાં યોજાતા કાર્તિકી પૂર્ણિમાના મેળામાં આ વર્ષે પ્રથમ વખત ‘રંગ મેઘાણી’ નામનો સાહિત્યિક કાર્યક્રમ રજૂ થવા જઈ રહ્યો છે. આવતીકાલે 23 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 9 કલાકે સોમનાથના પટાંગણમાં આ કાર્યક્રમ યોજાશે, જેમાં રવિ મારુ અને ટીમ એકત્વ દ્વારા સાહિત્ય, લોકવાર્તા, સંગીત અને ભક્તિની રજૂઆત કરવામાં આવશે.

મેઘાણીના ઓછા જાણીતા સાહિત્યિક પાસાઓ અને લોકવાર્તા રજૂ કરાશે રવિ મારુના નેતૃત્વમાં ટીમ એકત્વ દ્વારા રજૂ થનારા ‘રંગ મેઘાણી’ કાર્યક્રમમાં ગુજરાતી સાહિત્યના સર્જક ઝવેરચંદ મેઘાણીના ઓછા જાણીતા સાહિત્યિક પાસાઓ, લોકસાહિત્ય અને તેમની રચનાઓ સાથે જોડાયેલી વાતોને રજૂ કરવામાં આવશે. મેઘાણીની લોકવાર્તાઓ, ભજનો અને સાહિત્યિક અભિવ્યક્તિ દ્વારા શ્રોતાઓને ગુજરાતી સંસ્કૃતિના વારસાનો પરિચય કરાવાશે.

ભજન, ભાવ, ભક્તિ અને સાહિત્યને એક મંચ પર ઉજવવાનો પ્રયાસ કાર્યક્રમના સંદર્ભમાં રવિ મારુએ જણાવ્યું હતું કે સોમનાથની ભૂમિ પર મેઘાણીના સાહિત્યને ઉજવવાનો આ એક અવસર છે, કારણ કે મેઘાણીની અનેક એવી વાતો અને રચનાઓ છે જે આપણે સાંભળી તો છે, પરંતુ તેના મૂળ ભાવ સુધી પહોંચવાનું બાકી રહી ગયું છે. આપણા ભજનોમાં વૈરાગ્યનો ભાવ સમાયેલો છે, ત્યારે આવા ભજન, ભાવ, ભક્તિ અને સાહિત્યને એક મંચ પર ઉજવવાનો પ્રયાસ ‘રંગ મેઘાણી’ દ્વારા કરવામાં આવશે.