Gujarat

મહિલા પોલીસ કોન્સ્ટેબલનો પીછો કરી બદનામ કરવાની ધમકી

શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી 40 વર્ષીય મહિલા પોલીસ કોન્સ્ટેબલને પૂર્વ પ્રેમી દ્વારા હેરાન કરી બદનામ કરવાનો કિસ્સો સામે આવ્યો છે. મહિલા કોન્સ્ટેબલની સગાઈની વાત ચાલતી હોવાની જાણ થતાં યુવકે તેનો પીછો કરી ગાળાગાળી શરૂ કરી હતી. એટલું જ નહીં, સગાસંબંધીઓ અને પોલીસ સ્ટાફને બંનેના ફોટા મોકલી ખોટા આક્ષેપો કરતાં આખરે મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમી હતી શાહીબાગ પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ 2023માં રાણીપની એક સોસાયટીમાં રહેતા હતા. આ સમયે મનોજ શંખવાર સાથે મિત્રતા થઈ હતી, જે પ્રેમસંબંધમાં પરિણમી હતી.

જોકે, 26 ઓગસ્ટ, 2026ના રોજ પરિવારજનોએ તેની સગાઈની વાત શરૂ કરતાં મહિલા કોન્સ્ટેબલે મનોજને હવે સંપર્ક નહીં કરવા સ્પષ્ટ જણાવી દીધું હતું. તેમ છતાં મનોજ એપાર્ટમેન્ટ અને રસ્તામાં તેનો પીછો કરી ઝઘડો કરતો હતો.

કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવી આટલેથી ન અટકતાં તેણે સગાસંબંધીઓને ફોન કરી વ્હોટ્સએપ પર બંનેના ફોટા મોકલ્યા હતા. પોલીસ સ્ટાફને પણ ફોન કરી ખોટી માહિતી આપી બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. કંટાળીને મહિલા કોન્સ્ટેબલે મનોજ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી છે.