Gujarat

સરખેજના MD ડ્રગ્સ કારખાનાનું કેમિકલ કનેક્શન GTU સુધી પહોંચ્યું

અમદાવાદના સરખેજમાં બંગલાના ભોયરામાંથી ઝડપાયેલી MD ડ્રગ્સ બનાવવાની મિનિ ફેક્ટરીના તાર હવે ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી સુધી પહોંચ્યા છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની અમદાવાદ ઝોનલ ઓફિસે આ કેસમાં વધુ એક મહત્ત્વની કાર્યવાહી કરતાં અમરાઈવાડીમાં રહેતા અને GTUમાં કેમિકલ એન્જિનિયરિંગમાં PhDનો અભ્યાસ કરતા હર્ષિલ પરીખની ધરપકડ કરી છે.

તપાસમાં સામે આવેલી વિગતો મુજબ હર્ષિલ મુખ્ય આરોપી મુદ્દસર પઠાણને MD ડ્રગ્સ બનાવવા માટે જરૂરી પ્રતિબંધિત કેમિકલ ખરીદી આપતો હોવાની શંકા છે.

આર્થિક મદદના બદલામાં મુખ્ય આરોપી મુદ્દસર પઠાણને કેમિકલ પહોંચાડતો હતો ઉલ્લેખનીય છે કે NCBએ સરખેજની લેબેક પાર્ક સોસાયટીના બંગલાના ભોયરામાંથી MD ડ્રગ્સ બનાવવાની મિનિ ફેક્ટરી ઝડપી પાડી હતી, ત્યારબાદ તપાસનો દોર કેમિકલ સપ્લાયર્સ સુધી લંબાવવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન મુખ્ય આરોપી મુદ્દસર પઠાણ અને હર્ષિલ પરીખ વચ્ચેની ઓળખાણ તથા નાણાકીય લેવડદેવડની વિગતો સામે આવી હતી. હર્ષિલની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મુદ્દસરે તેને એકાદ-બે વખત નાણાકીય મદદ કરી હતી, અને આ જ પરિચયનો ઉપયોગ કરીને મુદ્દસરને ડ્રગ્સ બનાવવા માટે જરૂરી કેમિકલ પહોંચાડવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે.

હાઇ-વે પરથી કેમિકલ ચોરી અને આંતરરાજ્ય નેટવર્ક અંગે NCBની તપાસ તેજ આ કેસમાં રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના અખ્તર અને જુનેદની ધરપકડ બાદ હર્ષિલ પરીખ ઝડપાતા અત્યાર સુધીમાં કુલ 4 આરોપીઓ NCBના સકંજામાં આવ્યા છે. હવે તપાસ એજન્સી એ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે હર્ષિલ પ્રતિબંધિત કેમિકલ ક્યાંથી ખરીદતો હતો અને તેની પાછળ અન્ય કયા નાણાકીય મદદગારો સામેલ છે?

આ ઉપરાંત, ગુજરાતના હાઇવે પર પ્રતિબંધિત કેમિકલની ચોરીની ઘટનાઓ સાથે આ ડ્રગ્સ નેટવર્કના તાર જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ થઈ રહી છે. NCB દ્વારા કેમિકલ ઉત્પાદક કંપનીઓના વપરાશના રેકોર્ડનું ક્રોસ વેરિફિકેશન શરૂ કરવામાં આવ્યું છે અને આ કેમિકલનો ઉપયોગ અન્ય રાજ્યોમાં પણ થતો હોવાની શક્યતાને પગલે તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે.