અમદાવાદના થલતેજમાં મથુરા નગરી ઔડાના મકાનમાં રહેતા AMCના સફાઈ કામદાર કનુભાઈની દીકરાને સિગારેટ લેવા બોલાવવા બદલ ઠપકો આપ્યા બાદ ઉશ્કેરાયેલા શખ્સે છરાના ઘા મારી હત્યા કરી છે. ગત રાત્રે બનેલા આ બનાવમાં સારવાર દરમિયાન કનુભાઈનું મોત નીપજતા પત્નીની ફરિયાદના આધારે બોડકદેવ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપી ધ્રુવ મકવાણાની શોધખોળ શરૂ કરી છે.
આરોપી મૃતકના દીકરાને સિગરેટ લેવા મોકલતો હતો ગઈકાલે રાતના સમયે કનુભાઈ ઘરથી સામાન લેવા માટે બહાર નીકળ્યા હતા. આ દરમિયાન તેમનો દીકરો માનવ આવાસના બ્લોકમાં નીચે બેઠો હતો, ત્યારે કનુભાઈના સમાજનો જ અને ઘાટલોડિયામાં રહેતો ધ્રુવ મકવાણા પણ ત્યાં હાજર હતો. ધ્રુવ અવારનવાર કનુભાઈના દીકરાને ગલ્લા પર બીડી અને સિગરેટ લેવા મોકલતો હતો. ગઈકાલે પણ ધ્રુવે માનવને બૂમ પાડીને સિગરેટ લાવવા કહ્યું હતું, જે કનુભાઈ સાંભળી ગયા હતા.
સામસામે લાફા માર્યા, છરો કાઢીને ઝીંકી દીધો કનુભાઈએ ધ્રુવને ઠપકો આપ્યો અને કહ્યું કે મારો દીકરો નાનો છે, તો તેની પાસે બીડી-સિગરેટ કેમ મંગાવે છે? આ વાતથી ધ્રુવ ઉશ્કેરાઈ ગયો હતો ને કનુભાઈને લાફો મારી દીધો હતો. કનુભાઈને પણ સામે ધ્રુવને લાફો મારી દીધો હતો. આ દરમિયાન ધ્રુવે પેન્ટમાંથી એક છરો કાઢ્યો હતો જે કનુભાઈના ડાબા પગની સાથળની બાજુએ મારી દીધો હતો. બાદમાં ધ્રુવ ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

