અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે બગસરા પોલીસ સ્ટેશનની વાર્ષિક તપાસણી દરમિયાન 6 અરજદારો સાથે સીધો સંવાદ કર્યો. ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ અરજદારોને તેમનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો. ખરાતે અરજદારોને તેમની અરજી અંગે અત્યાર સુધી થયેલી તપાસ, પોલીસની કાર્યવાહી અને હાલની સ્થિતિ વિશે માહિતી મેળવી. તેમણે અરજદારોની રજૂઆતો સાંભળી અને તપાસની પ્રગતિની સમીક્ષા કરી.

અસામાજિક પ્રવૃત્તિઓ સામેની કાર્યવાહી, જમીન-મિલકતના વિવાદો, પારિવારિક પ્રશ્નો અને જાહેરહિતની અરજીઓની પણ સમીક્ષા કરવામાં આવી. સંબંધિત અધિકારીઓને દરેક અરજીમાં નિષ્પક્ષતા અને પારદર્શિતા જાળવી સમયસર કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના અપાઈ. નાગરિકોને ઝડપી અને સંવેદનશીલ પોલીસ સેવા આપવા પણ કહેવામાં આવ્યું.
વાર્ષિક તપાસણીના ભાગરૂપે સંજય ખરાતે બગસરા તાલુકાના સુડાવડ ગામની મુલાકાત લીધી. તેમણે ગામની પ્રાથમિક શાળામાં આશરે 150 વિદ્યાર્થીઓ સાથે વાત કરી અને બાળકોને ગુડ ટચ-બેડ ટચ અંગે સમજ આપી.

ત્યાર બાદ તેમણે ગામની આંગણવાડીની મુલાકાત લીધી અને આંગણવાડી કાર્યકરો તથા બાળકો સાથે વાત કરી. ગામમાં લગાવેલા મોબાઇલ ફોનથી ચાલતા CCTV કેમેરા તપાસ્યા અને તેમની કામગીરી અંગે માર્ગદર્શન આપ્યું.

