Gujarat

ગેરકાયદે દબાણ ફરી થાય તો FIR કરો, ખેડૂતોને પ્લોટ ફાળવો, રાજ્ય સ્વાગતમાં 240થી વધુ લોકોની રજૂઆતો સાંભળી

સામાન્ય નાગરિકોની ફરિયાદોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા કલેક્ટરો અને સંબંધિત વિભાગોના અધિકારીઓને સ્પષ્ટ સૂચનાઓ આપી છે. નવેમ્બર-2026ના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ જમીનના પ્લોટનો કબજો ન મળવો, ગેરકાયદે દબાણ, ગટરનાં ગંદાં પાણીથી ખેતીને નુકસાન, તળાવમાં પ્રદૂષિત પાણી આવવું અને જમીનના કાયદેસર વળતર જેવા મુદ્દાઓ પર અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવ્યું હતું.

રાજ્ય સ્વાગતમાં 240થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે સમગ્ર રાજ્યમાં જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં 1,733 અને તાલુકા સ્વાગતમાં 2,149 મળીને કુલ 4,122થી વધુ રજૂઆતો પર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

મંજૂર પ્લોટનો કબજો અને સનદ સોંપવા આદેશ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામના એક અરજદારે તેમના પિતાને મંજૂર થયેલા પ્લોટનો કબજો અને સનદ ન મળવા અંગે રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને પ્લોટનો કબજો સોંપવા સૂચના આપી હતી.

ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના સાગવાડી ગામના ખેડૂતે ગામતળનો પ્લોટ ફાળવવાની માગ કરી હતી. આ અંગે મુખ્યમંત્રીએ નજીકનાં ગામોમાં જ્યાં પ્લોટ ઉપલબ્ધ હોય ત્યાં અરજદારને પ્લોટ ફાળવવા જરૂરી કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું.

ફરી દબાણ થાય તો જવાબદાર સામે FIR અમરેલી જિલ્લાના કુંકાવાવ-વડિયા તાલુકાના લુણીધર ગામમાં થયેલા ગેરકાયદે દબાણ અંગેની ફરિયાદ પર મુખ્યમંત્રીએ તાત્કાલિક દબાણ દૂર કરાવવા આદેશ આપ્યો હતો. આ ઉપરાંત ફરીથી દબાણ કરવામાં આવે તો જવાબદાર વ્યક્તિ સામે FIR નોંધવાની પણ સૂચના આપી હતી.