ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ સ્પર્ધા 2026 અંતર્ગત જામનગર મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલ ખાતે સ્વિમિંગની સ્પર્ધાઓ ઉત્સાહભેર યોજાઈ હતી. આ શહેર કક્ષાની સ્પર્ધામાં સ્ત્રી-પુરુષો માટે અંડર-11, અંડર-14 અને અંડર-17 કેટેગરી તેમજ 40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપરના સિનિયર તરવૈયાઓએ પાણીમાં ઉતરીને પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. ખાસ કરીને ઓપન એજ કેટેગરી ઉપરાંત 40 વર્ષથી ઉપર અને 60 વર્ષથી ઉપરના સિનિયર કેટેગરીમાં 125 જેટલા ભાઈઓ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને સૌને પ્રભાવિત કર્યા હતા.
આ જ ક્રમમાં શુક્રવારે ગર્લ્સ કેટેગરી માટે સ્વિમિંગની સ્પર્ધાઓ યોજાઈ હતી, જેમાં શહેર કક્ષાની સ્પર્ધામાં 50 જેટલી મહિલાઓએ ભાગ લઈને પોતાની પ્રતિભા અને કૌશલ્યનો પરિચય કરાવ્યો હતો. હવે આગામી શનિવાર અને રવિવારના રોજ ગ્રામ્ય વિસ્તારના સ્ત્રી-પુરુષ સ્પર્ધકો માટે સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં પણ મોટી સંખ્યામાં સ્પર્ધકો મેદાનમાં ઊતરશે અને જામનગરમાં ખેલ મહાકુંભનો રંગ વધુ જામશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

